2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતના 26 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારવાની છે તેવી જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે ડેડીયાપાડામાં રાજકારણ ગરમાયું છે. થોડા સમય પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એક લેટર લખ્યો હતો જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નર્મદાના ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ અધિકારીઓ પાસેથી હપ્તાની વસૂલી કરે છે. ત્યારે આ પત્રને લઈ ચૈતર વસાવા પણ સામે આવ્યા છે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રિત કર્યા છે.
હપ્તા વસૂલી અંગે પત્રને લઈ મનસુખ વસાવા આકરા પાણીએ!
ભાજપના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈ અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. તેમના દ્વારા લખવામાં આવેલા પત્રો પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા મનસુખ વસાવાને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં અનેક મોટા નેતાઓ અધિકારીઓ પાસેથી હપ્તો ઉઘરાવતા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં ભાજપના નેતા, કોંગ્રેસના નેતા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓના નામનો ઉલ્લેખ હતો. આ અંગે મનસુખ વસાવાએ કહ્યું કે પત્રનો અનેક રીતે ઉપયોગ થતો હોય છે. જે નકલી પણ હોઈ શકે છે એટલે કંઈ કહી શકાતું નથી. પણ મને મળેલો આ પત્ર લોકોમાં ચર્ચાયો છે. નર્મદા જિલ્લાના કોન્ટ્રાક્ટરો પાસે અધિકારીઓને ધાકધમકી આપી પૈસાની ખંડણી કરવામાં આવે છે. પત્રમાં અનેક લોકોના નામો પણ હતા. ત્યારે આ વાતને લઈ ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા છે કારણ કે પત્રમાં તેમનું પણ નામ હતું.
અમારા પર પાયાવિહોણા આક્ષેપ કરાયા છે - ચૈતર વસાવા
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ચેલેન્જ કરી છે. જાહેરમાં ચર્ચા કરવા મનસુખ વસાવાને ચૈતર વસાવાએ આમંત્રિત કર્યા છે. જે પત્ર લખવામાં આવ્યો છે. તેમણે લખ્યું કે મનસુખ વસાવાની આગળ પાછળ ફરવાવાળોઓના ઈશારે નર્મદા જિલ્લામા બજેટનું આયોજન બારોબાર સગેવગે થતું હોય છે. આ બાબતે ખુલાસો માંગતા આ ભ્રષ્ટાચારનો રેલો સમગ્ર ટ્રાઈબલ વિસ્તારમાં જવાનો હોય ત્યારે પોતાના મળતિયાઓને બચાવવામાં અમારા પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. ઉપરાંત એક વીડિયો પણ ચૈતર વસાવાએ પોસ્ટ કર્યો છે.