ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. દિવસો નજીક આવતા આરોપ પ્રતિઆરોપ થવા એને હવે સામાન્ય વાત માનવામાં આવે છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તો વાક યુદ્ધ ચાલતું રહે છે ત્યારે હવે કોંગ્રેસ પણ ભાજપ પર પ્રહાર કરી રહી છે. સચિવાલયમાં લાગેલી આગ પર રાજનીતિ ગરમાઈ રહી છે. તેમણે કહ્યું કે સચિવાલયમાં આગની ઘટના ઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે.
ભાજપ ચૂંટણીથી ભાગી રહ્યું છે - ગેનીબેન
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તારીખ જાહેર થઈ છે પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તારીખ જાહેર કરવામાં નથી આવી. આ મુદ્દા પર વાત કરતા તેમણે કહ્યું કે ચૂંટણીથી ભાજપ ભાગી રહ્યું છે. હજી ભાજપની ફેવરમાં વાતાવરણ નથી થયું. જેને કારણે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપને હજુ વાયદા આપવાના બાકી હશે, જેથી ચૂંટણીની તારીખ હજી સુધી જાહેર કરવામાં નથી આવી. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ લડવા તૈયાર છે. વધુમાં તેમણે કહ્યું કે આ વખતે 125 સીટો સાથે સરકાર બનાવીશું.
ભાજપની ગૌરવ યાત્રા પર કર્યા કટાક્ષ
ગુજરાત ગૌરવ યાત્રાનો સહારો લઈ ભાજપ પોતાના પ્રચાર કરી રહી છે. પોતાના કામો લોકો સુધી પહોંચાડવા આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હમેશાં કોંગ્રેસ ભાજપની ગૌરવ યાત્રા પર પ્રશ્ન ઉઠાવતું આવ્યું છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે ભાજપની સરકારે ગૌરવ લઈ શકે એવું એક પણ કામ નથી કર્યું. સરકારે બનાસકાંઠા માટે અનેક જાહેરાતો તો કરી પરંતુ એક પણ યોજનાનું અમલીકરણ નથી થયું.