આજથી ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વિટ કરી લખ્યું કે સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંત:કરણની શુભેચ્છા...!! આજથી શરૂ થતું નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય.
સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી નવા વર્ષની શુભકામના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વિટ કરી લખ્યું કે આપ સૌને નૂતન વર્ષની સ્નેહપૂર્ણ શુભકામના પાઠવું છું. ઉપરાંત મુખ્યમંત્રીએ નવા વર્ષની શરૂઆત ગાંધીનગરમાં આવેલ પંચદેવ મંદિરના દર્શન કરીને કરી હતી.
અમિત શાહે કર્યું છે સ્નેહમિલનનું આયોજન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નવા વર્ષની શુભકામના પાઠવી છે. શુભેચ્છા પાઠવતા અમિત શાહે લખ્યું કે આ નૂતન વર્ષ તમારા સૌના જીવનમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરે. અમિત શાહ હાલ ગુજરાતમાં જ છે. નવા વર્ષને લઈ તેમણે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલનનું આયોજન કર્યું છે. મહત્વનું છે કે આ સ્નેહમિલનમાં ચૂંટણી લક્ષી ચર્ચા પણ થઈ શકે છે.
નવા વર્ષમાં મોંઘવારીથી રાહત મળે તેવી ગોપાલ ઈટાલિયાએ કરી પ્રાર્થના
ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ પોતાના અંદાજમાં નવા વર્ષની તમામને શુભકામના પાઠવી છે. ઈટાલિયાઓ ટ્વિટ કરી લખ્યું કે નવા વર્ષમાં આપણો દેશ ભ્રષ્ટાચાર મુક્ત થાય, સૌને રોજગારી મળી રહે અને મોંઘવારીમાંથી રાહત મેળવીને દેશવાસીઓ સુખી થાય એવી પ્રાર્થના. અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
કોંગ્રેસ પાર્ટીએ પણ નવા વર્ષની પાઠવી શુભકામના
નવા વર્ષની શુભકામના કોંગ્રેસ પાર્ટીએ પણ પાઠવી છે. કોંગ્રેસે લખ્યું કે વિક્રમ સંવત 2079 સહુના જીવન માટે મંગલમય, સુખમય અને આરોગ્યમય બની રહે તેવી અભ્યર્થના.