ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ જાહેર કરાયેલા ઉમેદવારોના નામ છેલ્લી ઘડીએ બદલાઈ રહ્યા છે. કોંગ્રેસે અને એનસીપીએ ત્રણ બેઠકો માટે ગઠબંધન કર્યું છે. ઉપરાંત અનેક ઉમેદવારો પોતે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. કોંગ્રેસે તમામ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે પંચમહાલની હાલોલમાં કોંગ્રેસને અંતિમ ક્ષણે પોતાના ઉમેદવારને બદલવાની ફરજ પડી છે. રાજેન્દ્રસિંહ પરમારની બદલીમાં અનિશ બારિયાને મેન્ડેટ આપવામાં આવ્યું છે.
રાતોરાત કોંગ્રેસે બદલ્યા ઉમેદવાર
કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ પંચમહાલ હાલોલના ઉમેદવારને બદલી દીધા છે. કોંગ્રેસે હાલોલ બેઠક માટે રાજેન્દ્રસિંહ પરમારને પસંદ કર્યા હતા. પરંતુ તેમણે બીજી જગ્યાએથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. જેને કારણે કોંગ્રેસે હાલોલ બેઠક માટે અનિશ બારિયાને મેન્ડેટ પ્યા છે. અચાનક ઉમેદવારની બદલી કરવામાં આવતા પંચમહાલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે અચાનક ઉમેદવાર બદલી દેવાતા રાજકારણના સમીકરણો બદલાયા છે.
ચૂંટણી સમયે કોંગ્રેસમાં થઈ શકે છે ભડકા
ફોર્મ ભરવાની અંતિમ ક્ષણે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો બદલાતા પાર્ટીમાં વિરોધના સુર ઉપડી શકે છે. કારણ કે ગોધરા બેઠક માટે કોંગ્રેસે પહેલેથી જ પોતાના ઉમેદવારી જાહેરાત કરી દીધી છે. ત્યારે જો ગોધરા માટે પણ ઉમેદવારના નામની બદલી કરવામાં આવશે તો પાર્ટીમાં ચૂંટણી સમયે કોંગ્રેસમાં ભડાકા થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.