સામાન્ય માનવીને જ્યારે તકલીફ પડે તો એ ભગવાનને યાદ કરે છે. પણ નેતાઓ જ એક એવા ભવિષ્યવેતાઓ હોય છે જે તકલીફ પડવાની હોય એ પહેલા જ ભગવાનના ચરણોમાં જતા રહે છે. પરંતુ તેમનું શરીર હાથ જોડીને ભગવાનની સામે ભલે ઉભા રહે પણ દેખાય તો પેલા મતદાર જ છે.
ચૂંટણી આવે એટલે દેવે-દેવે કરું દીવ!
નવરાત્રિના પર્વમાં નોરતાની સાથે રાજનીતિની રમઝટ પણ બોલી રહી છે. કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ કે સાથ મા કે દ્વારના સૂત્ર સાથે સૌરાષ્ટ્ર ખેડવા નીકળ્યા છે. સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠકો સીધી રીતે નજરમાં છે. અને તેનું કારણ સાફ છે 2017માં જે પાટીદાર આંદોલન લહેરનો જે ફાયદો મળ્યો હતો એવી સ્થિતિ આ વખતે નથી. એટલે જ એ મતદાર ક્યાંક હાથનો સાથ છોડીને જતો ન રહે તે મહત્વનું છે. અને આ જ કારણસર રાજકોટથી સિદસર સુધીની આ સફરમાં પાટીદાર વોટબેંકએ સીધા નિશાને છે.
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને આ યાત્રા કેમ યાદ આવી?
સૌરાષ્ટ્રના પાટીદારો આ વખતે કોંગ્રેસનો જ સાથ આપશે એ નક્કી નથી. કારણ કે આ વખતે જંગ ત્રિપાંખીયો છે. અને આંદોલનકારી ચહેરાઓ તો ભાજપની સાથે ઉભા છે. એવામાં કોંગ્રેસ માટે પોતાની જમીન બચાવવાની આ મથામણ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સૌરાષ્ટ્રની 48માંથી 28 બેઠકો મળી હતી.
ભાજપનો શું છે માસ્ટર સ્ટ્રોક?
કોંગ્રેસની સોફ્ટ હિન્દુત્વની આ તસવીર સામે ભાજપે ગરબાને જ રાજકીય રંગ આપી દીધો છે. વિકાસનો ગરબો તૈયાર કર્યો અને સામે કોંગ્રેસે મોંઘવારીનો ગરબો રમતો કર્યો. ભાજપે તો પ્રધાનમંત્રી મોદીને જ બોલાવી લીધા છે. જો કે આ સિલસિલો વર્ષોથી રહ્યો છે કે પ્રધાનમંત્રી નોરતામાં ગુજરાતમાં એક દિવસ તો આવતા જ રહે છે. પરંતુ આ વખતે ચૂંટણી પણ છે અને પાવાગઢના 500 વર્ષ બાદ થયેલા જિર્ણોદ્રારથી લઈને અંબાજી પરિસરનો થયેલો કાયાકલ્પ એ દાખલાઓ પણ છે અને સામે ભાજપ એટલે હિન્દુ જેવું વિચારવાવાળો એક ચોક્કસ વર્ગ.
આપ પણ ગુજરાતમાં તો મંદિરે મંદિર!
આપના નેતાઓ પોતાના કટ્ટર પ્રામાણિકની સાથે રાષ્ટ્રવાદી પણ ગણાવી રહ્યા છે...સાથે જ દ્વારકાથી કેજરીવાલું ચૂંટણી રણશીંગુ એ ભાજપની હિન્દુત્વવાળી હાર્ડકોર લાઇનમાં ઘુસણખોરી કરવાનો જ એક પ્રયાસ હોવાનું રાજનીતિને જાણકાર લોકો માની રહ્યા છે..
એવામાં માતાજી ખરેખર કોને ફળે છે એ તો પરિણામો આવ્યા બાદ જ સ્પષ્ટ થશે