Story By- સમીર પરમાર.
આઝાદ ભારતની રાજનીતિમાં પ્રધાનમંત્રી બન્યા પછી જવાહરલાલ નહેરુનો દબદબો હતો, સરદાર પટેલનું તો 15 ડિસેમ્બર, 1950ના દિવસે જ નિધન થઈ ગયું હતુ, ગાંધી તો એ પહેલા જ ગોળીએ વિંધાઈ ગયા હતા, અને એટલે જ ભારતના પશ્ચિમી પ્રાંતમાંથી દેશની રાજનીતિમાં નેતાગીરી માટે હરિફાઈ નહોતી, ગાંધી-સરદારથી પ્રેરાઈને રાજનીતિમાં આવેલા વલસાડના મોરારજી દેસાઈ બોમ્બે પ્રોવિનન્સના સૌથી મોટા અને માનીતા નેતા બની રહ્યા, ભારતના પૂર્વી પટ્ટાની જેટલી સીટો થાય એટલી જ પશ્ચિમી પટ્ટાની પણ થતી હતી અને એટલે જ આવનાર સમયમાં એવું ચિત્ર બની શકે એમ હતું કે જવાહરલાલ નહેરુની સામે મોરારજી દેસાઈ ગમે ત્યારે સાથીમાંથી સ્પર્ધક બની જાય.
વર્ષ 1957માં થયેલી બૃહદ મુંબઈની (જોડાયેલું ગુજરાત+મહારાષ્ટ્ર) વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 396 જેટલી વિધાનસભાની બેઠકો હતી. કોંગ્રેસે 234 જેટલી બેઠકો જીતી બૃહદ મુંબઈમાં સરકાર બનાવી હતી. 1956માં યશવંતરાવ બળવંતરાવ ચૌહાણ ફરીવાર બૃહદ મુંબઈના મુખ્યમંત્રી બન્યા હતા. દેશમાં કેન્દ્રની રાજનીતિમાં બૃહદ મુંબઈ અને ઉત્તર પ્રદેશની રાજનીતિ મુખ્ય હતા કેમ કે બંને રાજ્યોની વસ્તી ખુબ વધારે હતી, ઉત્તર પ્રદેશે ભારતને 1970 સુધીમાં અનેક કદ્દાવર રાજનેતાઓ આપ્યા છે. જ્યારે ગુજરાતે ગાંધી, સરદાર અને મોરારજી દેસાઈ જેવા અનેક નેતાઓ આપ્યા છે, આઝાદીના સમયમાં મહામના મદન મોહન માલવિયા, મોતીલાલ નેહરૂ, જવાહર જવાહરલાલ નેહરુ, ગોવિંદ વલ્લભ પંત, લાલ બહાદુર શાસ્ત્રી, આચાર્ય કૃપલાણી અને પુરુષોત્તમ દાસ ટંડન જેવા કદ્દાવર નેતા ઉત્તરપ્રદેશથી આવતા હતા.
આઝાદ થતા જ ભાષાઓમાં વહેંચાવા લાગ્યો દેશ
વર્ષ 1947-48ના સમયમાં ભાષાના આધારે વિભાજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેથી ભાષાના આધારે રાજ્યો બનાવવા માટે ન્યાયમૂર્તિ એસ.કે. ધરની અધ્યક્ષતામાં ભાષા પંચની રચના કરવામાં આવી. એસ. કે. ધરની સમિતિએ વિશ્લેષણ બાદ વર્ષ 1948ની ડિસેમ્બરમાં રિપોર્ટ સોંપ્યો જેમાં નિર્દેશ અપાયા હતા કે, દેશના રાજ્યોનું પુનર્ગઠનમાં ભાષા નહીં પરંતુ દેશની પ્રગતિને ધ્યાનમાં રખાશે. સરકારી ચોપડે જે કામો થઈ રહ્યા છે ભાષાના આધારે કોઈ તકલીફ ના પડવી જોઈએ. આઝાદીને માત્ર એક વર્ષ થયું હતુ અને આંધ્રપ્રદેશમાં એ સમએ ભાષાના આધારે રાજ્ય બનાવવાની માગ વધી રહી હતી. જે માગના કારણે આંધ્રપ્રદેશમાં અનેક તોફાનો થયા અને આંધ્રપ્રદેશના ઈતિહાસના પાના પર લોહી રેડાયું. તે સમયે હાલના તેલંગાણા રાજ્યને આંધ્રપ્રદેશમાં જોડવાની માગ સાથે દેખાવો કરવામાં આવી રહ્યા હતા. એસ. કે. ધરના રિપોર્ટ બાદ સુધારા સાથે જે.વી.પી સમિતિનો રિપોર્ટ બહાર પડ્યો હતો જેમાં પણ રાજ્યનું પુનર્ગઠન ભાષાના આધારે નહીં પરંતુ પ્રશાસનની કામગીરીમાં વેગ મળે તેને ધ્યાનમાં રાખીને થાય તેવું સૂચન કરવામાં આવ્યું હતું. આવી જ એક માંગણી ભારતના પશ્ચિમી વિસ્તારમાં પણ ઉદભવી રહી હતી, મરાઠી અને ગુજરાતી બોલતા લોકોની વચ્ચે...
સરદાર અને ગાંધી પછી કૉંગ્રેસમાં કોણ મોટા નેતા?
દેશ સ્વતંત્ર થયાના પાંચ વર્ષોમાં તો કૉંગ્રેસમાં ખુબ મોટો પાવર વેક્યુમ ઉભો થઈ ગયો હતો, ઝનૂનથી લડેલા નેતાઓ મૃત્યુ પામ્યા હતા, કૉંગ્રેસમાં રાજકીય રીતે નહેરુ સૌથી મોટા નેતા હતા તો મોરારજી દેસાઈ ઉંમરમાં મોટા, પણ મોરારજી દેસાઈ પાસે ખુબ મોટા રાજ્ય બૃહદ મુંબઈનું સમર્થન હતું, ત્યાં કેટલાય નેતાઓ એવા હતા જે નહેરુ-મોરારજી ગૃપમાં વહેંચાવા લાગ્યા હતા, પણ મોરારજી દેસાઈ સામે એક વાત ખુબ મોટા પડકાર તરીકે આવી અને એ હતી બૃહદ મુંબઈ રાજ્યની ભાષાના આધારે થવા જઈ રહેલી વહેંચણીના એંધાણ, દેશ અને રાજ્યની રાજનીતિ એવો આકાર લઈ રહી હતી કે જેના કારણે ભાષાકીય આધાર પર વહેંચાઈ રહેલા રાજ્યો સમય જતા ગુજરાત અને મહારાષ્ટ્રના સ્વરૂપે અસ્તિત્વમાં આવવાના હતા.