સુરતના સરથાણામાં પોલીસનો વીડિયો વાયરલ થવા મામલે ખુલાસો થયો છે. વાયરલ વીડિયોને લઇ સુરત ACPએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પોલીસની બદનામી થાય તે માટે વકીલ મેહુલ બોઘરાએ વીડિયો વાયરલ કર્યો છે. જે વીડિયોમાં પોલીસ પર ખોટા આક્ષેપ કરેલા છે તેમાં તથ્ય નથી. જાહેર રોડ પર ઝઘડો થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. પતંગની દોરી ખરાબ નીકળતા દોરી બનાવનારા અને ગ્રાહક વચ્ચે બબાલ થઇ હતી. ત્યારે પોલીસે ત્યાં પહોંચીને મધ્યસ્થી કરાવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વીડિયો વાયરલ કરનારા મેહુલ બોઘરા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. પોલીસ એડવોકેટ મેહુલ બોઘરની ઓફિસ પણ પહોંચી હતી.
પોલીસ પર ખોટા આક્ષેપ
સુરતમાં પોલીસ સાથે બબાલનો વીડિયો વાયરલ થયો હતો. મેહુલ બોઘરાએ બીજો વીડિયો વાયરલ કર્યો હતો. ACPએ જણાવ્યું હતું કે, પોલીસની બદનામી થાય તે રીતે વીડિયો વાયરલ કર્યો છે. જે વીડિયોમાં પોલીસ પર ખોટા આક્ષેપ કરેલા છે તેમાં તથ્ય નથી. વધુમાં કહ્યું કે, વીડિયો વાયરલ કરનારા મેહુલ બોઘરા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. ઉલ્લેખનિય છે કે હાલ આ મામલો સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સમગ્ર મામલો શું છે?
સુરતના સરથાણામાં રહેતા રાજુભાઈ ગજેરાએ ઉત્તરાયણના તહેવાર પર તેમના ઘરના પ્રાઈવેટ પ્લોટમાં પતંગ અને દોરીનો સ્ટોલ શરૂ કર્યો હતો. તેમના સ્ટોલમાંથી સરથાણા પોલીસ સ્ટેશનના કર્મીઓ મફતમાં ફિરકીઓ લઈ જતા રહે છે. બાદમાં તેમનો એક મળતીયો પણ ફિરકી લેવા આવે છે, જો કે ફિરકી લીધા બાદ તે રાજુભાઈ સાથે રકઝક કરે છે અને બાદમાં તે પોલીસને પણ બોલાવે છે. પોલીસ આવીને રાજુ ભાઈ અને તેમના માણસ સાથે મારામારી કરે છે. એડવોકેટ મેહુલ બોઘરા આ મામલે એક વીડિયો પણ બનાવે છે. જેમાં તે પોલીસવાળા જે મફત ફીરકી લેવા આવ્યા હોય છે તેનો ઉલ્લેખ કરે છે અને સામાન્ય જનતાને મારમારનાર પોલીસના વીડિયો વિશે નિવેદન આપે છે. આ મામલે સરથાણા પોલીસ મેહુલ બોઘરાની ઓફિસમાં આવી તેમને નોટિસ આપવા આવે છે.