ટ્રાફિકની સમસ્યાને લઈ અનેક વખત મુદ્દાઓ, પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે. અનેક એવા રસ્તાઓ છે જ્યાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરી લોકો જતા રહે છે અથવા તો રોંગ સાઈડમાં ડ્રાઈવ કરતા નજરે પડે છે. ત્યારે ગેરકાયદેસર પાર્કિંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર શહેરમાં પોલીસની વિશેષ ડ્રાઈવ શરૂ થવાની છે. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે આ કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રાઈવમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારા સામે ઉપરાંત ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગેરકાયદેસર રીતે જો વાહન પાર્ક કર્યું તો થશે કાર્યવાહી
જ્યાં જગ્યા મળે ત્યાં આપણે વાહનો પાર્ક કરી દેતા હોઈએ છીએ. આપણું કામ પૂર્ણ થઈ રહ્યું છે ને એવું આપણે વિચારતા હોઈએ છીએ પરંતુ ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવેલા વાહનોને કારણે બીજા લોકોને કેટલી અગવડ પડતી હોય, તેનો આપણે ખ્યાલ નથી આવતો. આપણું કામ થઈ રહ્યું છે તે આપણા માટે મહત્વનું હોય છે. અનેક વખત રસ્તા પર જ્યાં-ત્યાં પાર્ક કરવામાં આવેલા વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. અનેક સાંકડા રસ્તા હોય છે અને તેમાં પણ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા પાર્કિંગને કારણે લોકો પરેશાન થઈ જતા હોય છે. રસ્તા પર પાર્ક કરવામાં આવેલા વાહનો અનેક વખત ટો કરવામાં આવતા હોય છે. ત્યારે હવે અમદાવાદના રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે વાહન પાર્ક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર શહેરમાં પોલીસની ડ્રાઈવ શરૂ થવાની છે.
રોંગ સાઈડ પર ડ્રાઈવ કરતા પહેલા વિચારજો
ડ્રાઈવમાં ન માત્ર ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવતા વાહનો પરંતુ રોંગ સાઈડથી આવતા વાહનચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આપણામાંથી અનેક એવા વાહનચાલકો હશે જે અનેક વખત રોંગ સાઈડમાં ડ્રાઈવ કરતા હશે. થોડે જ જવું છે ને, રોંગ સાઈડ ચાલે યાર એવું વિચારીને જો હવે અમદાવાદીઓ રોંગ સાઈડમાં જશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે જ્યારથી ઈસ્કોન ખાતે અકસ્માત બન્યો છે ત્યારથી પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. એક મહિના માટે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે જેમાં વાહનોની તેમજ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે. ઓવરસ્પીડિંગ સહિતની પ્રવૃત્તિઓ પર કાબુ મેળવવા માટે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. કઈ જગ્યાઓ પર ડ્રાઈવ કરવાાં આવશે તે અંગેની પોલીસે જાણકારી આપી છે.
આપણી સુરક્ષા માટે બનાવાયા છે નિયમો
મહત્વનું છે કે આ ડ્રાઈવ ચાલતી હશે ત્યાં સુધી લોકો કાયદાનું પાલન કરશે, કારણ કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો પકડાયા તો પોલીસ સ્ટેશન જવું પડશે, દંડ ભરવો પડશે.. વગેરે... વગેરે.... પણ આ જે નિયમોનું પાલન હમણાં કરાવવામાં આવી રહ્યું છે કાયદાઓ આપણી સુરક્ષા માટે જ છે. આ વાત આપણે સમજવી પડશે.