આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યા કરી લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. લોકો હવે બ્રિજ પરથી કૂદી રહ્યા છે. અમદાવાદમાં બ્રિજ પરથી કૂદવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા ત્યારે સુરતમાં પણ બ્રિજ પરથી કૂદી આપઘાત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા ચાર રસ્તા ખાતે આવેલા ઓવરબ્રિજ પરથી 50 વર્ષીય આધેડે પડતું મૂકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે તેમને બચાવી લીધા. પોલીસ અધિકારીઓ રસ્તા પર નેટ લઈને નીચે ઉભા રહી ગયા અને આધેડને બચાવી લીધા.
મધરાત્રે આધેડે કર્યો બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ
અનેક લોકો જીવનથી કંટાળી મોતને વહાલું કરી રહ્યા છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી મોતને ભેટવાનો લોકો પ્રયાસ કરે છે. કોઈ પંખે લટકીને તો કોઈ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે હવે લોકો બ્રિજ પરથી કૂદકો મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદમાં આવેલા સીટીએમ બ્રિજ પરથી અનેક લોકોએ ઝંપલાવ્યું છે ત્યારે સુરતમાં પણ બ્રિજ પરથી કૂદકો મારવાનો પ્રયાસ આધેડ દ્વારા કરવામાં આવ્યો હતો. કાપોદ્રા વિસ્તારમાં આ ઘટના બની હતી. રાત્રે અઢીથી ત્રણ વાગ્યા દરમિયાન આધેડે ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદનસીબે પેટ્રોલિંગ પર નીકળેલા પોલીસકર્મીઓનું ધ્યાન તેમના પર પડતા તેમને બચાવી લેવામાં આવ્યા છે.
પોલીસની સતર્કતાથી બચ્યો આધેડનો જીવ
પેટ્રોલિંગ પર નીકળેલા પોલીસકર્મીનું ધ્યાન આધેડ પર પડી હતી. તેમને સમજાવી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો. તે ઉપરાંત ફાયર બ્રિગેડને પણ જાણ કરાતા ફાયર વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. બ્રિજ નીચે નેટ રાખી આધેડને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બ્રિજ પરથી આધેડે પડતું મૂક્યું પરંતુ નીચે રહેલી નેટમાં તેઓ પડ્યા. બેભાન થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આત્મહત્યા કરનાર આધેડ કોણ છે, કયા કારણોસર તેઓ આપઘાત કરી રહ્યા હતા તે જાણી શકાયું નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસની સતર્કતાને કારણે આધેડનો જીવ બચી શક્યો છે.