PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. PFI ના હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીનો રેલો હવે ગુજરાતના વિવિધ જિલ્લાઓ સુધી પહોંચ્યો છે. NIA દ્વારા બનાસકાંઠા, અમદાવાદ સુરત અને નવસારીમાં તપાસ કરવામાં આવી છે. NIA દ્વારા આ તપાસ ટેરર ફન્ડિંગ મામલે કરવામાં આવી રહી છે.
વડોદરામાં ઇન્ડિયા ઇમામ કાઉન્સિલનું મદરેસા સીલ
PFI કેસમાં વડોદરા પોલીસ અને ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. PFI સાથેની સાંઠગાંઠના આરોપમાં વડોદરામાં ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલનું મદરેસા સીલ કરી દેવામાં આવ્યું છે. આ અંગે વડોદરા ACP ક્રાઈમે જણાવ્યું કે આ મદરેસાની તપાસ કરવામાં આવી, આ મદરેસામાં AIICની બેઠક યોજાઈ હતી અને તેને સીલ કરી દેવામાં આવી છે. ટ્રસ્ટીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બનાસકાંઠામાંથી ત્રણ શંકાસ્પદની અટકાયત
આ તપાસ દરમ્યાન બનાસકાંઠામાંથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં બનાસકાંઠા માંથી PFI સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. SOG પોલીસે ત્રણ શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. જો કે આ મામલો અતિ સંવેદનશીલ હોવાને કારણે પોલીસે સમગ્ર માહિતિ ગુપ્ત રાખી છે. SOGની ટીમે અટકાયત કરાયેલા શખ્સોને વધુ તપાસ અર્થે ATSને સોંપવામાં આવ્યા છે.