ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાત જ્યારે કરવામાં આવે ત્યારે તમે મનમાં હસતા હશો... એવું કહેતા હશો કે આ કાયદો તો માત્ર કાગળ પર જ છે. ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ઠેર-ઠેર દારૂની પોટલીઓ મળે છે તેવી વાત પણ તમે કરતા હશો. એવું પણ કહેતા હશો કે જો સરકાર અને પોલીસ ધારેને તો દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવી શકે છે. પરંતુ પોલીસ એટલા માટે ચૂપ છે કારણ કે તેમને હપ્તા મળતા હોય છે.! જો કડકપણે પાલન કરવામાં આવે તો તેમના સુધી પહોંચતા હપ્તા બંધ થઈ જાય!
જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં જઈ કરી ફરિયાદ
પોલીસ અને દારૂની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે જેમાં પોલીસકર્મચારીઓ પોતે દારૂ પી રહ્યા છે. એવી માહિતી મળી છે કે વડોદરામાં પોલીસની વેનમાં પોલીસ કર્મી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જાગૃત્ત નાગરીક દ્વારા આનો વીડિયો ઉતારવામાં આવ્યો અને તેની ચર્ચાઓ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર વડોદરા પોલીસને એક જાગૃત નાગરિકે જાણકારી આપી કે શહેરના મુજમહુડા વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે સી ટીમ માટે ફાળવવામાં આવેલી એક પોલીસ વાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. આવી ફરિયાદ મળતા પોલીસે જ તે પોલીસવાનને તાત્કાલિક પોલીસ સ્ટેશને બોલાવી.
નશાની હાલતમાં ઝડપાયા ત્રણ વ્યક્તિ!
પોલીસ દ્વારા જ્યારે આ અંગેની તપાસ કરવામાં આવી તે દરમિયાન જે.પી રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા, માનવ પુરુષોત્તમ કહાર તેમજ સાકીર કાદરભાઈ મણિયાર ત્રણેય લોકો દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ત્રણેયની અટકાયત કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.
અનેક વખત આવા વીડિયો આવતા રહે છે સામે
મહત્વનું છે કે અનેક વખત પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉભા થાય છે. પોલીસ વિભાગનું એક સારૂં પાસુ છે જેમાં કર્મનિષ્ઠ પોલીસ અધિકારીઓ છે પરંતુ આવા પોલીસ બહુ ઓછા છે. અનેક પોલીસ કર્મીઓ એવા છે જે પોલીસની વર્દી પર ડાઘ લગાડે છે. સામાન્ય માણસ સાથે કરવામાં આવતો વ્યવહાર પણ અનેક વખત ડિબેટનો મુદ્દો બનતો હોય છે. આવું પહેલી વાર નથી જ્યાં પોલીસવાળા નશાની હાલતમાં દેખાયા હોય આવા અનેક કિસ્સાઓ છે.