મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોર્ટે એક છોકરીને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવીને સજા સંભળાવી છે. કોર્ટે સગીર છોકરાના શારીરિક શોષણ માટે પોક્સો એક્ટ હેઠળ કોઈ છોકરીને સજા સંભળાવી હોય તેવું પહેલીવાર બન્યું છે. આ કેસ સગીર છોકરાના શારીરિક શોષણનો છે. પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરતા ઇન્દોર જિલ્લા કોર્ટે આરોપી યુવતીને સજા સંભળાવી છે. આરોપી યુવતીની ઉંમર 19 વર્ષ છે. કહેવામાં આવી રહ્યું છે કે માસૂમને ઘરેથી બીજા રાજ્યમાં લઈ જવામાં આવ્યો હતો.
યુવતી સગીરને ગુજરાત લાવી હતી
પોલીસની પૂછપરછમાં તેમને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતાએ જણાવ્યું કે યુવતી વર્ષ 2018માં ફરવા જવાના બહાને તે સગીર યુવકને પોતાની સાથે ગુજરાત લઈ ગઈ હતી. ત્યાં યુવતીએ તેને ઘણી વખત શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. તે સગીર યુવક માતા-પિતા સાથે વાત ન કરી શકે તે માટે ફોન પણ તે યુવતીએ પોતાની પાસે લઈ લીધો હતો.
POCSO એક્ટ શું છે?
કોઈપણ સગીર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું શારીરિક શોષણ POCSO એક્ટના દાયરામાં આવે છે. આ કાયદો સગીર છોકરાઓ અને છોકરીઓ બંનેને રક્ષણ આપે છે. આવા કેસની સુનાવણી સ્પેશિયલ કોર્ટમાં થાય છે. POCSO એક્ટ હેઠળ, બાળકોને જાતીય હુમલો, જાતીય સતામણી અને પોર્નોગ્રાફી જેવા ગુનાઓથી સુરક્ષા આપવામાં આવી છે.