મહિલાઓની જાસુસી કરવા માટે કે તેમના અવરજવરના સ્થળોએ છુપા કેમેરા ઈન્સ્ટોલ કરવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. વિકૃત મગજના લોકો લેડિઝ વોશ રૂમમાં સ્પાઈ કેમેરા લગાવતા પણ શરમાતા નથી.જામનગર નજીક દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકની એક શાખાનાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મળી આવતાં હડકંપ મચી ગયો છે. દરેડમાં પંજાબ નેશનલ બેંકની શાખામાં તો ઈન્ચાર્જ મેનેજરે જ મહિલાઓના વોશરૂમમાં સ્પાઈ કેમેરા લગાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
PNBની મહિલા કર્મચારીએ નોંધાવી ફરિયાદ
જામનગર નજીક દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકની એક શાખાનાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. PNBની મહિલા કર્મચારીએ આ મામલે પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેંકનાં ઇન્ચાર્જ મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.PNBની આ શાખા દરેડ ઉદ્યોગનગર ફેઈઝ થ્રીમાં મહાવીર સર્કલ નજીક આવેલી છે. આ બેંકમાં નોકરી કરતાં બિહારનાં વતની અને બેંકના કર્મચારી મધુલતા કુમારીએ આ સ્પાય કેમેરા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલા કર્મચારી મધુલતા કુમારી 10 ઓગસ્ટના રોજ બપોરે લેડીઝ વોશરૂમમાં ગયા ત્યારે વોશરૂમમાં સ્પાય કેમેરો સેટ કરવામાં આવ્યો હોવાનું તેઓનાં ધ્યાનમાં આવ્યું હતું. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બેંકશાખાનાં ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈનીએ આ કૃત્ય કર્યું છે. ફરિયાદી મહિલાનાં ગુપ્ત ફોટો કે વીડિયો મેળવી લેવા મેનેજરે આ કૃત્ય આચર્યું હોવાના આરોપ થયા છે. આ મહિલાની ફરિયાદનાં આધારે પોલીસે મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરતા સ્પાઈ કેમેરો કબજે કર્યો છે અને તપાસ માટે FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
ઇન્ચાર્જ મેનેજર ફરાર
મહિલા કર્મચારીએ પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 354(સી) મુજબ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થતાં જ આરોપી ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની ફરાર થઇ ચુક્યો છે. ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની મૂળ હરિયાણાનો વતની છે. અખિલેશ સૈનીએ જ 7 ઓગસ્ટના રોજ મહિલા વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો. બેંકના મેનેજર રજા પર હોઈ, તેના ચાર્જમાં અખિલેશ સૈની હતો, જેથી મહિલા કર્મચારીએ આ બાબતે અખિલેશ સૈનીને વાત કરી HRD હેડને વાત કરવાનું કહ્યું હતું. જો કે તેણે કોઈ કાર્યવાહી કરી નહોંતી. બેંકની મહિલા કર્મચારીઓના વીડિયો અને ફોટો લેવાના બદઈરાદાથી અખિલેશ સૈનીએ મહિલાઓના વોશરૂમમાં કેમેરો લગાવ્યો હતો.