ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તેમની પત્ની રીવાબા જાડેજા સાથે પીએમ મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી. જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે દેશના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પ્રધાનમંત્રી મોદી સાથેની આ મુલાકાત રાજકીય દ્રષ્ટીએ ઘણી સુચક મનાય છે. રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથેની તેમની તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
PM મોદી સાથેની મુલાકાતથી અનેક તર્ક-વિતર્ક
રાજધાની નવી દિલ્હીમાં રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રિવાબા જાડેજાની વડાપ્રધાન મોદી સાથેની અચાનક મુલાકાતથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ થઈ શકે છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં PMના કર્યા વખાણ
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીર રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે તમે અમારી માતૃભૂમિ માટે સખત મહેનત અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છો! મને ખાતરી છે કે તમે દરેકને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે પ્રેરણા આપતા રહેશો. અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાં રવિન્દ્ર જાડેજા આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમવામાં વ્યસ્ત છે.
રીવાબા જાડેજાની રાજકારણમાં પ્રભાવશાળી એન્ટ્રી
અત્રે ઉલ્લેખનિય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ ચૂંટણીના રાજકારણમાં પ્રભાવશાળી શરૂઆત કરી હતી. રિવાબા જાડેજાએ જામનગર ઉત્તર મતવિસ્તારમાં તેમના નજીકના હરીફને 53570 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ગણતરીના 17 રાઉન્ડ પછી, રીવાબા જાડેજાએ 88110 મતો જીત્યા હતા જ્યારે તેમના નજીકના હરીફ આમ આદમી પાર્ટી (AAP) ના કરસન કરમુરે 34818 મત મેળવ્યા હતા.