વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પોલીસ માટે એક જ યુનિફોર્મની હિમાયત કરી છે, PM મોદી આજે શુક્રવારે દેશના તમામ રાજ્યોના ગૃહમંત્રીઓ માટે યોજાયેલી 2 દિવસની ચિંતન શિબિરને વીડિયો કોન્ફ્રેંન્સના માધ્યમથી સંબોધી હતી.આ પ્રસંગે તેમણે કહ્યું કે એક દેશ, એક વરદી હોવી જોઈએ. તે ઉપરાંત તેમણે પોલીસને સલાહ આપી હતી કે લોકોના મનમાં પોલીસ માટે સારી ધારણા બની રહે તે જરૂરી છે.
પોલીસની ઓળખ છે એક જ યુનિફોર્મ
પીએમ મોદીએ તમામ ગૃહમંત્રીઓને સંબોધતા કહ્યું કે "પોલીસ માટે એક રાષ્ટ્ર, એક વરદી એ માત્ર વિચાર છે. હું આ વિચાર તમારા પર થોપવાનો પ્રયાસ નથી કરતો પણ આ અંગે વિચારો, આ 5, 50 કે 100 વર્ષમાં પણ થઈ શકે છે. પરંતું આપણે આ અંગે ચોક્કસ વિચારવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે મારૂ માનવું છે કે દેશભરમાં પોલીસની ઓળખ એક જેવી જ હોવી જોઈએ".
રાજ્યોને સાથે મળીને કામ કરવાની સલાહ
પ્રધાનમંત્રીએ દેશની આંતરિક સુરક્ષા માટે તમામ રાજ્યોને સાથે મળી કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાનો સીધો સંબંધ વિકાસ છે. તેથી શાંતિ જાળવી રાખવાની જવાબદારી તમામ રાજ્યોની છે. દરેક રાજ્યએ એકબીજામાંથી શિખવું જોઈએ અને પ્રેરણા લેવી જોઈએ તથા આંતરિક સુરક્ષા માટે તમામ રાજ્યોએ સાથે મળીને કામ કરવું જોઈએ.