છેલ્લા બે દિવસથી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈ ચર્ચા ચાલી રહી છે. બે દિવસમાં વિપક્ષી સાંસદોએ કેન્દ્ર સરકારને અનેક રીતે ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ દિવસની ચર્ચામાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પીએમ મોદીને ત્રણ સવાલો પૂછ્યા હતા. ત્યારે ગઈકાલે રાહુલ ગાંધી પણ એકદમ આક્રામક દેખાયા હતા. તેમણે પણ પીએમ મોદી પર આકરા કટાક્ષ કર્યા હતા. ત્યારે આજે પીએમ મોદી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપવાના છે. મળતી માહિતી અનુસાર સાંજે ચાર વાગ્યે પીએમ મોદી સંસદમાં જવાબ આપી શકે છે. મહત્વનું છે મોદી સરકાર સામે આ બીજો અવિશ્વાસ પ્રસ્તાવ છે. પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ 20 જુલાઈ 2018માં તેલુગું દેશમ પાર્ટી લાવી હતી.
મણિપુરની ચર્ચા થાય ત્યારે હોબાળો થવો નિશ્ચિત છે!
સંસદમાં હાલ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને પીએમ મોદીના મૌનને લઈ વિપક્ષી સાંસદો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સંસદની કાર્યવાહી દરમિયાન મણિપુર મુદ્દે ચર્ચા થાય તે માટે અનેક પ્રયત્નો થયા હશે પરંતુ અંતે આ તો સંસદ છે. સંસદમાં ચાલતી ચર્ચા, જે પ્રકારે હંગામા થાય છે તેને જોતા લાગે કે આની આગળ તો સિરિયલોના ડાયલોગ પણ ફિક્કા પડે છે. સંસદમાં હોબાળાની તસવીરો જે સામે આવતી હોય છે તેને જોઈને સવાલ થાય કે કેટલી સહજતાથી સાંસદો એવા વાક્યો બોલી જાય છે જેને બોલતા સામાન્ય માણસ અનેક વખત વિચાર કરે.
સાંસદોના નિવેદનો સાંભળી વિચાર આવે કે....
સંસદમાં જ્યારે ચર્ચા ચાલી રહી હોય ત્યારે સાંસદો દ્વારા જે નિવેદનો સામે આવતા હોય છે તેને સાંભળીને આપણને લાગે કે શું લોકશાહીના મંદિરમાં આવી ચર્ચાઓ શોભે છે? થોડા સમય પહેલા એક મહિલા સાંસદ મીનાક્ષી લેખીએ પોતાના ભાષણમાં એવું કીધું હતું કે ચૂપ રહો! ક્યાંક તમારા ઘરે ઈડીના દરોડા ના પડી જાય. આ નિવેદન સાંભળીએ કીધું કે સાંસદ હસતા હસતા સત્ય બોલી ગયા. ત્યારે એક-બે દિવસ પહેલા નારાયણ રાણેએ સંસદમાં એવી ભાષાનો ઉપયોગ કર્યો કે જે ભાષા ગલીમાં ફરતા ગુંડા કરતા હોય. લોકશાહીનું મંદિર ગણાતા સંસદમાં તેમણે ઓકાત બતાવવાની વાત કરી હતી.
પીએમ મોદી મણિપુર વિશે કેટલું બોલશે તેની પર સૌની નજર!
આજે સંસદમાં પીએમ મોદી જવાબ આપવાના છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. એ જોવું રહ્યું કે પીએમ મોદી મણિપુર વિશે કેટલી મિનીટ વાત કરે છે અને ભાજપ સિવાય જ્યાં બીજી પાર્ટીની સરકાર છે મુખ્યત્વે કોંગ્રેસની તે રાજ્ય અંગે કેટલી વાત કરે છે.. કારણ કે જ્યારે મહિલાઓનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે પીએમ મોદી બોલ્યા હતા પરંતુ તે માત્ર સેકેન્ડોમાં પૂર્ણ થઈ ગયું હતું અને પોતાના નિવેદનમાં બીજા રાજ્યોની વાત કરતા હતા.