Story by Samir Parmar
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી ગુજરાત પ્રવાસે છે. શનિવારે પ્રધાનમંત્રી મોદીએ વલસાડની જનતાને સંબોધ્યા બાદ આજે પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્ર વિસ્તારમાં સભામાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે સાડા દસ કલાકે સોમનાથ ખાતે સોમનાથ દાદાના દર્શન કરીને સૌરાષ્ટ્રમાં ભાજપને જીતાડવા માટે પ્રચાર કરશે.
પ્રચાર બાદ સોમનાથ બેઠક પર PMનો મેજીક ચાલશે?
સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11 કલાકે વેરાવળના સદભાવના ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધશે. સોમનાથ બેઠક કોંગ્રેસે ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી ઝુંટવી લીધી હતી. વર્ષ 2017માં પણ પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ બેઠક માટે પ્રાંચી પાસે પ્રચાર કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો મોદીની એક ઝલક જોવા માટે આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા પરંતુ સોમનાથની જનતાએ કોંગ્રેસના વિમલ ચૂડાસમાને મત આપ્યા હતા, માટે કહી શકાય કે આજની રેલી પ્રભાવી રહે કે ના પણ રહી શકે. વિમલ ચૂડાસમાની 2017ની સોમનાથ ફતેહ પહેલા 2007માં અને 2012ની ચૂંટણીમાં જશા બારડે સોમનાથ બેઠક ભાજપના ખાતામાં નાખી હતી. પ્રધાનમંત્રી મોદીની રેલી બાદ તેઓ લોકોના મતને કેટલા બદલી શકશે તે આજની રેલી બાદ જ સ્પષ્ટ થશે. આ વખતે ભાજપે સોમનાથ બેઠક પર માનસિંહ પરમારને ઉતાર્યા છે, કોંગ્રેસમાંથી વિમલ ચૂડાસમા રીપીટ કરાયા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ જગમલ વાળાને સોમનાથના મેદાને ચૂંટણી લડવા ઉતાર્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ગીર સોમનાથની ઉના, કોડિનાર, તાલાલા અને સોમનાથ એમ બધી ચાર બેઠકો કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. વિમલ ચૂડાસમાના કારણે સોમનાથ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ આવે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. ભાજપના નેતા માનસિંહ પરમાર કારડિયા રાજપૂત સમાજથી આવે છે. ભાજપના નેતા માનસિંહ પરમારના સમાજના મત સોમનાથ વિધાનસભા બેઠક પર 23 હજાર જેટલા છે જ્યારે વિમલ ચૂડાસમાના કોળી સમાજના મતો 30થી35 હજાર જેટલા મતો છે. કોળી સમાજ વિમલ ચૂડાસમાને જ મત કરશે તેવું અત્યારની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. ગીર સોમનાથની સોમનાથ બેઠકના મુસ્લીમ સમાજના 60 ટકાથી વધુ મતો પણ કોંગ્રેસને જ જાય તેવું દેખાઈ રહ્યું છે. પ્રદેશ ભાજપે સોમનાથ બેઠકના ભાજપના મોટા નેતાઓની ટિકિટ કાપી છે. જેમની ટિકિટ કપાઈ છે તે નેતાઓ પણ નારાજ નજરે પડી રહ્યા છે અને ભાજપના પ્રચારમાં ઓછો રસ દાખવી રહ્યા છે તેથી માનસિંહ પરમારને નુકસાન પાર્ટીના મોટા નેતાઓથી થાય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાઓ જેમની ટિકિટ કપાઈ છે કે જેમને ટિકિટ નથી મળી તે પાર્ટીના પક્ષમાં અને પ્રચારમાં માનસિંહ પરમારને મદદ કરે તો તેઓ ભાજપને થોડી રાહત અપાવી શકે તેવું સ્થાનિકોનું કહેવું છે. સોમનાથ બેઠક પર આહીર સમાજના મતો આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા છે તેવું અત્યારે ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના જગમલ વાળા આહીર સમાજના 22 હજાર મતો લઈ જાય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. જગમલ વાળાનું સોમનાથમાં વર્ચસ્વ પણ દેખાઈ રહ્યું છે. ભાજપના જ સ્થાનિક નેતા ઉદય શાહે અપક્ષમાં ફોર્મ ભર્યું છે તે 5 હજારથી વધુ વોટ લઈ જશે. ઉદય શાહ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂથના નેતા છે. માછીમાર સમાજ ભાજપને જ મત આપે છે. ખારવા સમાજના 15થી 20 હજાર જેટલા વોટ ચોક્કસ રીતે ભાજપના ખાતામાં આવે તેવી પ્રબળ સંભાવના લાગી રહી છે. ગીર સોમનાથની વિધાનસભા બેઠક તાલાલામાં ભાજપને ઝટકો લાગે તેવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપના આયાતી ઉમેદવાર ભગવાન બારડ સામે સ્થાનિક લોકોનો રોષ દેખાઈ રહ્યો છે. તાલાલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ડોડિયા આયાતી ઉમેદવાર છે. માનસિંહ ડોડિયા મૂળ અંકલેશ્વર રહે છે તેમનું સ્થાનિક વર્ચસ્વ પણ ખાસ નથી માટે તાલાલા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જોરદાર ટક્કર રહેશે. ગીર સોમનાથની કોડિનાર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. કારણ કે ભાજપના કોડિનાર બેઠકના ઉમેદવાર ડોક્ટર પ્રદ્યુમન વાજા સારી છાપ ધરાવે છે અને તેમણે લોકોના સેવાકીય કામ પણ સારા કર્યા છે માટે તેમને તેનો ફાયદો મળી શકે છે. ઉના વિધાનસભા બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્ટ્રોંગ ફાઈટ રહેશે તેવું લાગી રહ્યું છે.
ધોરાજીમાં પાટીદારોને મનાવવામાં મોદી સફળ થશે?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગ્યા નજીક ધોરાજીના અતુલ સોલવન્ટ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધશે. ધોરાજી બેઠક પર આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મહેન્દ્ર પાડલિયાને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે લલીત વસોયાને રીપીટ કર્યા છે અને આમ આદમી પાર્ટીએ વિપુલ સખિયાને ઉતાર્યા છે. ધોરાજીની અડધા ભાગ જેટલી પબ્લિક પાટીદાર સમાજની છે. ધોરાજી વિધાનસભા બેઠકના કુલ મતદારોમાંથી 48 ટકા જેટલા મતદારો પાટીદાર સમાજના છે. માટે પાટીદારોના મત આ બેઠક પર નિર્ણાયક મત છે. ધોરાજી બેઠક પર સીધી રીતે ભાજપ અને કોંગ્રેસની ટક્કર રહેશે, આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ આ બેઠક પર અત્યારે ઓછું નજર આવી રહ્યું છે તેવું લોકો કહી રહ્યા છે. પરંતુ ગ્રાઉન્ડ પરથી વાતો એવી આવી રહી છે કે ધોરાજીના પાટીદારો ભાજપના સમર્થક છે અને જો આમ આદમી પાર્ટી કોઈના વોટ તોડશે તો કોંગ્રેસના તોડશે માટે આ બેઠક પર ભાજપને વધુ નુકસાન નહીં થાય તેવું લાગી રહ્યું છે. ભાજપના મહેન્દ્ર પાડલિયા કડવા પાટીદાર છે અને કોંગ્રેસના રીપીટ ઉમેદવાર લલીત વસોયા લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે, જ્યારે આમ આદમી પાર્ટીના વિપુલ સખિયા પણ લેઉવા પટેલ સમાજથી આવે છે. આમ આદમી પાર્ટીના વિપુલ સખિયા આયાતી ઉમેદવાર છે માટે આપના સ્થાનિક નેતાઓમાં પણ રોષની લાગણી નજર આવી રહી છે તો આમ આદમી પાર્ટી કેટલા લોકોને આકર્ષી શકશે તે જોવાનું રહેશે. જાતિગત સમીકરણો પર નજર કરીએ તો અત્યારે આ બેઠક પર લેઉવા અને કડવા પાટીદારનો જંગ જામશે તેવું લાગી રહ્યું છે. ધોરાજી વિધાનસભાની રાજનીતિની ચર્ચા કરવામાં આવે ત્યારે વિઠ્ઠલ રાદડિયાને યાદ કરવા પડે. તેમણે 1990થી 2007 સુધી સતત આ બેઠક પર જીત મેળવી હતી. ત્યાર બાદ તેમના પુત્ર જયેશ રાદડિયા મેદાને ઉતાર્યા હતા અને જીત્યા હતા. ફરી વર્ષ 2012માં વિઠ્ઠલ રાદડિયા આ બેઠક પરથી જીત્યા હતા. હાલ પ્રધાનમંત્રી આજે ધોરાજી બેઠકના મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરશે તો મોદી મેજીક આ બેઠક પર જામશે કે નહીં તે મત ગણતરી થાય પછી જ ખબર પડશે.
પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પાડી શકશે મોદી?
બપોરે અઢી કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમરેલીના ફોરવર્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધશે. બીજી રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ 22 નવેમ્બરે આ જ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધશે. અમરેલી એટલે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતાની બેઠક. અમરેલી વિધાનસભામાં ભાજપે કૌશિક વેકરિયા, કોંગ્રેસે પરેશ ધાનાણી અને આમ આદમી પાર્ટીએ રવિ ધાનાણીને ટિકિટ આપી છે. 2.68 લાખ મતદારો ધરાવતી અમરેલી વિધાનસભા બેઠક વર્ષ 2017માં પરેશ ધાનાણીએ કોંગ્રેસના ખાતામાં નાખી હતી. પરેશ ધાનાણીએ 12 હજારથી વધુ મતની લીડ સાથે ભાજપના બાવકુભાઈને હરાવ્યા હતા. પાટીદાર સમાજના મતદારો અમરેલી બેઠકમાં વધારે છે. પરેશ ધાનાણીએ વર્ષ 2012માં પણ અમરેલી બેઠક પર જીત મેળવી હતી. તેની પહેલા આ બેઠક ભાજપના ખાતામાં હતી. વર્ષ 1985થી 2002 સુધી અમરેલી બેઠક ભાજપના ખાતામાં હતી. આ બેઠક પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા કરી રહ્યા છે તો તેમના ભાષણથી અને ઈમેજના કારણે તેઓ પાટીદારોને કેવી રીતે આકર્ષશે તે જોવાનું રહેશે.
પોતાનો ગઢ ફરી ફતેહ કરશે મોદી?
આજની ચોથી અને અંતિમ રેલી પ્રધાનમંત્રી મોદી બોટાદ વિધાનસભા ક્ષેત્રમાં કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરના સવા ચાર કલાકે ત્રિકોણ ખોડિયાર ખાતે સભા સંબોધશે. બોટાદ વિધાનસભામાં પૂર્વ ઊર્જા મંત્રી અને ભાજપના નેતા સૌરભભાઈ પટેલ જીતતા આવતા હતા. સ્થાનિક લોકોએ આ બેઠક પર આયાતી ઉમેદવાર સૌરભ પટેલનો વિરોધ કર્યો હતો અને ઉંમરના કારણે ભાજપે આ વખતે ઘનશ્યામ વિરાણીને મોકો આપ્યો છે. કોંગ્રેસે આ બેઠક પર રમેશ મેરને જ્યારે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ઉમેશ મકવાણાને મેદાને ઉતાર્યા છે. વર્ષ 1998થી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી બોટાદમાં જીતતી આવી છે. બોટાદ વિધાનસભા બેઠક પર સૌરભભાઈ પટેલનું વર્ચસ્વ રહ્યું છે. પણ ગઈ ચૂંટણીમાં ભાજપના સૌરભ પટેલ અને કોંગ્રેસના ડીએમ પટેલ વચ્ચે જોરદાર જંગ જામી હતી. મતોનો તફાવત માત્ર 900 જેટલો રહ્યો હતો અને સૌરભ પટેલે સીટ પોતાને નામ કરી હતી. ત્યારે હવે પટેલ અને કોળી સમાજનું વર્ચસ્વ ધરાવતી બોટાદ વિધાનસભા બેઠકમાં પ્રધાનમંત્રી લોકોને કેટલા આકર્ષી શકશે તે જોવાનું રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનના કારણે વર્ષ 2017માં ઘણી ઓછી સીટ મળી હતી. ભાજપના ગઢ ગણાતી વિધાનસભા ક્ષેત્રોમાં પણ કોંગ્રેસે ધામા નાખી દીધા હતા. ગીર સોમનાથ, મોરબી, અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓમાં કોંગ્રેસે સારું પરફોર્મ કર્યું હતું ત્યારે હવે સૌરાષ્ટ્રના મત મોદી મેળવી શકશે કે કેમ તે મતદાન બાદ જ ખબર પડશે.