ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાંથી બહાર નિકળેલા શ્રમિકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત કરી હતી. ફોન પર તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને તેમને પ્રોત્સાહન આપ્યું. શ્રમિકો સાથે પીએમએ વાતચીત કરી તેની પહેલા તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે પણ વાત કરી હતી. શ્રમિકોને ટનલમાંથી કાઢ્યા બાદ તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે પણ જાણકારી મેળવી હતી. આ ઘટનાને લઈ વડાપ્રધાન મોદી સતત આ અપડેટ લઈ રહ્યા હતા. મુખ્યમંત્રી પાસેથી આની અપડેટ સતત લેતા હતા.
પીએમ મોદીએ ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટનલમાંથી બહાર આવેલા 41 મજૂરો સાથે ફોન પર વાત કરી હતી. બચાવ અભિયાનને સફળ બનાવનાર સૈનિકોની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમની બહાદુરી અને નિશ્ચયથી આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન મળ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદભૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે. 17 દિવસ શ્રમિકોએ ટનલમાં કેવી રીતે કાઢ્યા તે અંગે પણ પીએમ મોદીએ પૂછ્યું હતું.
માનવી શક્તિનો કરાયો ઉપયોગ!
હવે આખી ઘટના અને ઓપરેશન જિંદગી પર નજર કરીએ તો ગઈકાલે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અમેરિકાથી આવેલું ઓગર મશીન તૂટી ગયા બાદ રેટ માઈનર્સે બાકીનો કાટમાળ ખોદી કાઢ્યો હતો અને મંગળવારે મોડી સાંજે તમામ કામદારોને પાઇપ વડે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનની દુનિયાભરના મીડિયામાં ચર્ચા થઈ રહી છે. જ્યાં મશીનો નહીં પણ માણસોએ જીત મેળવી છે. અહીં સુરંગ તોડવામાં યાંત્રિક શક્તિ ખલાસ થઈ ગઈ પછી માનવની હિંમત કામમાં આવી. મહત્વનું છે કે બહાર આવ્યા બાદ શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં શ્રમિકોને રાખવામાં આવ્યા છે ત્યાંની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી હતી.