સોશિયલ મીડિયા પર અનેક વખત એવા ફોટા વાયરલ થતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. અનેક વખત ખોટા મેસેજ પણ જતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં પીએમ મોદી ક્લીન શેવ લુક અને મુંડન સાથે દેખાય છે. જ્યારે આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે આ ફોટો એડિટેડ છે તે અંગે જાણકારી મળી હતી.
રિવાજો અનુસાર કરાયો હતો હીરાબાનો અંતિમ સંસ્કાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 વર્ષીય માતા હીરાબાનું નિધન 30 ડિસેમ્બરના રોજ થયું હતું. લાંબા સમયથી તેઓ બિમાર હતા અને હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્ર ધર્મ નિભાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. હિંદુ રીતિ રિવાજો મુજબ હીરાબાનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ચપ્પલ કાઢી પોતાની માતાને કાંધ આપી હતી ઉપરાંત માતાને મુખાગ્નિ પણ આપી હતી. વડાપ્રધાન મોદીએ તમામ રિવાજોને નિભાવ્યા હતા.
ત્યારે માતાના નિધન બાદ વડાપ્રધાન મોદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીએ મુંડન અને ક્લીન શેવ કરાવ્યું હોય તેવો ફોટો વાયરલ થયો હતો. હિંદુ રીતિ-રિવાજો અનુસાર તેમણે મુંડન કરાવ્યું હોય તેવું વાયરલ ફોટા પરના કેપ્શન પર લખવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર કેપ્શન લખવામાં આવ્યું હતું કે મોદીજીએ તમામ રિવાજો સાદગીથી નિભાવ્યા છે. રિવાજોના અનુસાર તેમણે માતાના અંતિમ સંસ્કાર કર્યા અને સાચા પુત્રની જેમ તેમણે મુંડન પણ કરાવ્યું છે. આ સિવાય ફોટા પર કેપ્શન લખવામાં આવ્યું હતું કે તે એક હિંદુ છોકરાની જેમ તેમણે હિંદુ સંસ્કારોને માન આપ્યું છે.
શું છે વાયરલ ફોટાની હકીકત?
જ્યારે આ વાયરલ ફોટા અંગે તપાસ કરવામાં આવી તે દરમિયાન ખબર પડી કે જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેનો સાચો ફોટો પાંચ વર્ષ જૂનો છે. પાંચ વર્ષ પહેલાના ફોટા પર એડિટિંગ કરી આ ફોટો હાલ વાયરલ કરવામાં આવી રહ્યો છે.