ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે. અટલ બિહારી વાજપેયીને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા અનેક દિગ્ગજ નેતાઓએ તેમના સમાધિ સ્થાન 'સદૈવ અટલ'ની મુલાકાત લીધી હતી. સ્મારક પર જઈ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. પુષ્પાંજલિ અર્પણ કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરી અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. વાજપેયજીની યાદમાં આ દિવસ એટલે કે 25 ડિસેમ્બર સુશાસન દિવસ તરીકે ઉજવામાં આવે છે.
'સદૈવ અટલ' પર જઈ આપી શ્રદ્ધાંજલિ
ભારતરત્ન અને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો 98મી જન્મ દિવસ છે. તેમની જન્મજયંતી પર અનેક નેતાઓએ તેમને યાદ કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના દિગ્ગજ નેતાઓએ 'સદૈવ અટલ' સમાધિ સ્થળ પર પહોંચી અટલ બિહારી વાજપૈયીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વાજપેયીજીને યાદ કરી એક વીડિયો કર્યો શેર
વડાપ્રધાન મોદીએ અટલજીને યાદ કરતા એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં પીએમએ લખ્યું હતું કે અટલજીને તેમની જન્મજયંતી પર લાખો સલામ. ભારત માટે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમનું નેતૃત્વ અને વિઝન લાખો લોકોને પ્રેરણા આપે છે.
મદન મોહન માલવિયાને પણ આપી શ્રદ્ધાંજલિ
અટલજીની સાથે સાથે આજે મદનમોહન માલવિયાની પણ જયંતી છે. પીએમ મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. માલવિયાજીને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું કે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયનો પાયો નાખનાર મુખ્ય વ્યક્તિ માલવિયાજીએ પોતાનું જીવન શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કર્યું. તે ભારતના મહાન સપૂત હતા.