ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણના અવનવારૂપ જોવા મળી રહ્યા છે, તાજેતરમાં કેજરીવાલના અમદાવાદ પ્રવાસ દરમિયાન તે એક રિક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે ભોજન લેવા ગયા હતા, તે યુવાન વિક્રમ દંતાણી આજે પ્રધાનમંત્રી મોદીની અમદાવાદમાં યોજાયેલી સભામાં પહોંચ્યો હતો. તે પોતાના વિસ્તારના લોકોને લઇને સભામાં પહોંચ્યા હતો. રિક્ષા ચાલક વિક્રમ દંતાણીએ ભાજપનો ખેસ પહેર્યો હોય તે વીડિયો પણ સામે આવ્યો છે.
રીક્ષા ચાલક વિક્રમ દંતાણી ભાજપનો કાર્યકર
અમદાવાદના રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે, હું પહેલીથી ભાજપમાં જોડાયેલા છે. હું મતદાન કરતો થયો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું. હું પહેલેથી મોદી સાહેબનો આશિક છું. મેં ખાલી કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકારી લીધું. મને ખબર નહોતી કે તે જમવા આવશે. તેઓ આવ્યા એટલે એમનું અપમાન ન થાય એટલે ઘરે જમાડીને મોકલી દીધા. બીજી કોઈ વાત કરી નથી. મેં પોતે એમ જ આમંત્રણ આપ્યું હતું. હું કોઈ પાર્ટીમાં જોડાયેલો નથી. હું પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલો છે. અમારી આખી સોસાયટી ભાજપ સાથે છે.
રીક્ષા યુનિયનના કહેવાથી કેજરીવાલને આપ્યું આમંત્રણ
વિક્રમ દંતાણીએ વધુમાં કહ્યું કે રીક્ષા યુનિયનએ મને જમવાનું પૂછવા કહ્યું હતું , મને કંઈ ખબર નહોતી. આમ પણ ગુજરાતીના ઘરે કોઈ જમવા આવે એટલે એ પ્રેમથી જમાડે જ છે. કેજરીવાલ સાહેબે પ્રોટોકોલ તોડ્યોએ એ વાતનું દુઃખ લાગ્યું હતું. વિક્રમ દંતાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે હું આપ સાથે નથી , ભાજપ માટે કામ કરું છું.