ગુજરાતમાં અનેક વખત પેપર લીક થતા હોય છે. તાજેતરમાં જ મહેસાણાથી પેપર લીકનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. શાળાના પેપરો ફૂટી રહ્યા છે ત્યારે પીએમ મોદી દ્વારા ચૂંટણી પ્રચારમાં કરવામાં આવતા નિવેદનો યાદ આવે છે. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ પેપર ફૂટવાના મુદ્દા પર કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતમાં દિવાળીના ફટાકડાની જેમ પેપર ફૂટતા હોય ત્યારે બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે આવા વચનો આપવામાં આવે તો ગુજરાત પણ કહેશે કે... નહીં સહેગા ગુજરાત.
રાજસ્થાન પેપરલીક મામલે અનેક વખત બોલ્યા છે પીએમ મોદી
રાજસ્થાનમાં હમણા ચૂંટણી છે. ચૂંટણી પહેલા વચનોની લ્હાણી ચાલતી હોય છે. જે તમામ રાજકીય પક્ષો કરતી હોય છે એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ પણ વાંધો ત્યારે હોય જ્યારે એ રાજકીય પક્ષ લોકોને આપેલું વચન ભૂલી જાય છે અથવા વચન ચૂકે છે. ચૂંટણીના કારણે ખુદ પ્રધાન પ્રચારક રાજસ્થાનમાં જઈને પેપર લીકની એકવાર નહીં પણ બે-બેવાર વાતો કરતા હોય અને ગુજરાતમાં દિવાળીના ફટાકડાની જેમ પેપર ફૂટતા હોય ત્યારે બીજા રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે આવા વચનો આપવામાં આવે તો ગુજરાત પણ કહેશે કે... નહીં સહેગા ગુજરાત. ગુજરાતમાં અનેક વખત પેપર ફૂટવાના કિસ્સાઓ બની રહ્યા છે.
ગુજરાતમાં તો અનેક વખત પેપર થયા લીક
હમણા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. મધ્યપ્રદેશ, તેલંગણા, છત્તીસગઢ, મિઝોરમ અને રાજસ્થાન. આમાંથી મોટા ભાગના જિલ્લામાં સ્થાનિક સરકારમાં કોંગ્રેસ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ વિધાનસભા ચૂંટણી જીતવા માટે દમ લગાવી રહી છે. એવામાં સ્લોગન મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. જેમ 2014માં સ્લોગન ચાલ્યા હતા કે અબકી બાર મોદી સરકાર, જેમ ઈંદિરા ગાંધીના સમયમાં સ્લોગન ચાલ્યા હતા ગરીબીવાળા એવી જ રીતે લાલુ સરકારમાં પણ સ્લોગન ચાલ્યા હતા. બધી સરકારો ચૂંટણી જીતવા અને લોકોને લુભાવવા માટે આવું કરતા જ હોય છે. પણ ઘરના છોકરા ઘંટી ચાટતા હોય અને પાડોશીને આટો મળે તો સ્વાભાવિક છે ગુજરાતી તરીકે ગુજરાતની જનતાને થોડું લાગી આવે. રાજસ્થાનમાં સ્લોગન ચલાવવામાં આવી રહ્યા છે કે પેપર લીક સે યુવા પરેશાન નહીં સહેગા રાજસ્થાન. એના પર ગુજરાતના પેપર ફૂટવાની લાંબી સૂચિને યાદ કરીએ તો વીડિયો બહુ લાંબો થઈ જાય.
મહેસાણાની શાળામાં ફૂટ્યા 13 પેપર
ગુજરાતમાં પણ આવું કેમ્પેઈન શરૂ કરવું જોઈએ એટલે ગુજરાતને પેપર ફૂટવાની ઘટનાઓથી મુક્તિ મળે, હમણા ગઈકાલે જ એક ઘટના હતી કે મહેસાણામાં 1-2 નહીં પણ 13-13 પેપર ફૂટ્યા. એ પણ શાળામાં. ગજબ કહેવાય. ખૈર ચૂંટણીની વાત કરીએ તો હાલ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ભાજપ પૂરતો પ્રયાસ કરી રહી છે કે વિધાનસભા ચૂંટણીમાં બાજી મારે. અને રાજસ્થાનની ફિતરત પણ અત્યાર સુધીની એવી રહી છે કે એકવાર ભાજપ અને એકવાર કોંગ્રેસની સરકાર આવે છે. તો આ વખતેની સરકાર પહેલા ભાજપની સરકાર હતી પછી આ વખતે કોંગ્રેસની સરકાર છે તો એ પાંચ વર્ષવાળો ઈતિહાસ જોઈએ તો ભાજપની સરકાર આવી શકે. પણ વાત અહીં એ કરવી છે કે પક્ષ અને વિપક્ષના નામ, ચહેરા, સરનામા બધુ જ બદલાઈ જાય છે. સત્તાનું ચરિત્ર અને વિપક્ષનો દંભ ક્યારેક નથી બદલાતો.