સંસદમાં જ્યારથી શિયાળા સત્રનો પ્રારંભ થયો છે ત્યારથી લઈ ગઈકાલ સુધી 141 વિપક્ષી સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સંસદની બહાર સસ્પેન્ડ થયેલા સાંસદો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી, જેના પર ઉપરાષ્ટ્રપતિ ગુસ્સે થઈ ગયા હતા. એક તરફ જ્યારે સાંસદ મિમિક્રી કરી રહ્યા હતા તો બીજી તરફ રાહુલ ગાંધીએ તેમનો વીડિયો ઉતાર્યો. આ ઘટનાને શરમજનક ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે તે હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય બાબત છે. આ ઘટનાને લઈ પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાત કરી છે.
ઉપરાષ્ટ્રપતિને પ્રધાનમંત્રીએ કર્યો ફોન
ગઈકાલે ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી એક સાંસદ દ્વારા કરવામાં આવી જેને લઈ હોબાળો થઈ ગયો. ઉપરાષ્ટ્રપતિ જનદીપ ધનખડનું દર્દ છલકાઈ આવ્યું હતું. આ બધા વચ્ચે આજે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો. તેમણે ગઈકાલે સંસદ સંકુલમાં કેટલાક સાંસદોની ઘૃણાસ્પદ હરકતો પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મને કહ્યું કે તેઓ છેલ્લા 20 વર્ષથી આવા અપમાન સહન કરી રહ્યાં છે, પરંતુ ભારતના ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદ સાથે અને તે પણ સંસદમાં, આ ઘટના બની શકે તે દુર્ભાગ્યપૂર્ણ છે. મેં તેમને કહ્યું- વડા પ્રધાન, કેટલાક લોકોની હરકતો મને રોકશે નહીં. હું મારી ફરજ બજાવી રહ્યો છું અને આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને જાળવી રાખું છું. હું મારા હૃદયના તળિયેથી તે મૂલ્યો માટે પ્રતિબદ્ધ છું. કોઈ અપમાન મારો માર્ગ બદલી શકે નહીં."
આજે પણ વિપક્ષી સાંસદો કરી રહ્યા છે વિરોધ
મહત્વનું છે આજે પણ વિપક્ષી સાંસદો દ્વારા સંસદની બહાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે "તેઓ દરેકને હેતુપૂર્વક સસ્પેન્ડ કરી રહ્યા છે, જેથી વિપક્ષના કોઈ પણ નેતા ગૃહમાં ચર્ચામાં ભાગ ન લઈ શકે. તેઓ ગૃહમાં ત્રણ ફોજદારી કાયદા લાવી રહ્યા છે અને ઈચ્છે છે કે કોઈએ તેમનો વિરોધ ન કરવો જોઈએ. અમારો વિરોધ જ્યાં સુધી સસ્પેન્ડ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. સાંસદોને રદ કરવામાં આવે છે." વિરોધ કરી રહેલા સાંસદોની સાથે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ દેખાયા હતા.
સસ્પેન્ડ થયેલા સાંસદોને લઈ પરિપત્ર જાહેર કરાયો
એક તરફ સસ્પેન્ડશનને લઈ સાંસદો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ લોકસભા સચિવાલય દ્વારા એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. પરિપત્ર મુજબ સસ્પેન્ડ કરાયેલા સાંસદોને સંસદીય સમિતિઓની બેઠકોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કામની યાદીમાં તેમના નામની કોઈ વસ્તુ ઉમેરવામાં આવશે નહીં. આ ઉપરાંત સર્ક્યુલરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સસ્પેન્શન દરમિયાન આ સાંસદો તરફથી કોઈ નોટિસ સ્વીકારવામાં આવશે નહીં. આ સમયગાળા દરમિયાન તેઓ સમિતિની ચૂંટણીમાં પણ મતદાન કરી શકશે નહીં.
Lok Sabha Secretariat issues circular for the suspended MPs barring them from entering the Parliament chamber, lobby and galleries. pic.twitter.com/R8nPO8AWVV
— ANI (@ANI) December 19, 2023