ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના 95મા જન્મદિવસ પર પ્રધાનમંત્રી મોદીએ તેમના ઘરે જઈને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રમ મોદી લાલકૃષ્ણ અડવાણી સાથે 40 મિનિટ રહ્યા અને કેક પણ કાપી હતી. નરેન્દ્ર મોદી સિવાય કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ પણ લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડવાણીજી સાથેની 40 મિનિટની મુલાકાતમાં તેમને જૂની યાદો પણ તાજા કરાવી હતી. અડવાણીજીના ગત જન્મ દિવસના રોજ પ્રધાનમંત્રી મોદી સાથે અમિત શાહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને જન્મદિવસની ઉજવણી કરી હતી.
લાલકૃષ્ણ અડવાણીજીની રાજકીય સફર
લાલકૃષ્ણ અડવાણીના રાજનીતિની શરૂઆત 1942માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વોલન્ટિયર તરીકે થયો હતો. અડવાણીએ 1970થી 1972 સુધી જનસંઘના દિલ્લી યુનિટના અધ્યક્ષ રહ્યા હતા. 1973થી 1977 સુધી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે પણ તેમણે સેવા આપી હતી. 1970થઈ 1989 સુધી ચારવાર તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1977થી 1979 સુધી તેઓ કેન્દ્રમાં મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં બનેલી જનતા પાર્ટીમાં સૂચના અને પ્રસારણ મંત્રી હતા. 1986થી 1991, 1993થી 1998 અને 2004થી 2005 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1989માં લાલકૃષ્ણ અડવાણીએ 9મી લોકસભા માટે દિલ્લીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1991થી 2014 સુધી તેઓ ગાંધીનગરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં તેઓએ નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવા આપી હતી. વર્ષ 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.