વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની ગાડીને કર્ણાટકના મૈસૂરમાં અકસ્માત નડ્યો છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની છે, પ્રહલાદ મોદી પરિવાર સાથે પોતાની કાર દ્વારા બેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહલાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમના સાથે હતા. આ ઘટનામાં પ્રહલાદ મોદી, તેમની વહુ અને તેમના પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના દીકરા અને ડ્રાઈવર સત્યાનારાયણને સામાન્ય ઈજા પહોંચી છે.
કોણ છે પ્રહલાદ મોદી?
PM નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદી ગુજરાત ફેયરપ્રાઈસ શોપ્સ અને કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના અધ્યક્ષ છે. ભૂતકાળમાં પ્રહલાદ મોદીએ વ્યાજબી ભાવના દુકાનદારોના પ્રશ્નોને હિતમાં નજીકના દિવસોમાં પુરવઠા નિયામકની ચેમ્બર આગળ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. તેઓએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને પુરવઠા નિયામક તેમજ આસિસ્ટન્ટ નિયામક દ્વારા ગુજરાતની વ્યાજબી ભાવની દુકાનોના દુકાનદારો પર શાહી વલણ અપનાવવામાં આવી રહ્યું છે.