દેશમાં ઘણા સમયથી સનાતન ધર્મને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. INDIA ગઠબંધન પર ભાજપના અનેક નેતાઓ તો પ્રહાર કરતા હતા પરંતુ હવે તો આ ગઠબંધન પર પીએમ મોદીએ પ્રહાર કર્યા છે. મધ્યપ્રદેશના પ્રવાસે પીએમ મોદી હાલ ગયા છે. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે આ ઘમંડી ગઠબંધન સનાતનનો નાશ કરવા માગે છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે એક તરફ આજનો ભારત દુનિયાને જોડવાની ક્ષમતા બતાવી રહ્યો છે. આપણું ભારત વિશ્વ મિત્ર તરીકે ઉભરી રહ્યું છે. બીજી તરફ કેટલાક પક્ષો એવા છે, જે દેશ અને સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે અનેક વખત ઈન્ડી એલાયન્સને ઘમંડી કહી હતી.
ઈન્ડિયા ગઠબંધનને ઈન્ડિ એલાયન્સ કહીને સંબોધી હતી
લોકસભા ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટી દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. પીએમ મોદીને હરાવવા વિપક્ષી દળોએ એક ગઠબંધનની રચના કરી છે. તેનું નામ ઈન્ડિયા રાખવામાં આવ્યું છે. ગઠબંધન પર ભાજપના અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. અનેક નેતાઓએ ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા છે. ત્યારે આજે પીએમ મોદીએ ગઠબંધન પર પ્રહાર કર્યા છે.
ઈન્ડિયા ગઠબંધનને અહંકારી ગઠબંધન તરીકે સંબોધી
જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે આ બેઠક મુંબઈમાં યોજાઈ હતી. મને લાગે છે કે તે બેઠકમાં તેઓએ અહંકારી ગઠબંધન કેવી રીતે કાર્ય કરશે તેની નીતિ બનાવી છે. હિડન એજેન્ડા નક્કી કરવામાં આવ્યો છે. અહંકારી ગઠબંધનની નીતિ એ છે કે તેઓ સનાતનનો નાશ કરવા અને દેશને 1000 વર્શ સુધી ગુલામીમાં ધકેલી દેવા માગે છે. આપણે સાથે મળીને આવી શક્તિઓને રોકવી પડશે. વધુમાં તેમણે કહ્યું કે સનાતન દેશની એકતાનો આધાર છે. સનાતનને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સનાતનને ખતમ કરવાનો તેમનો સંકલ્પ છે. દરેક સનાતનીએ સતર્ક થવાની જરૂર છે.