ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપાન નેતાઓની ગુજરાતની મુલાકાત પણ વધી રહી છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચુંટણી જંગ હોવાથી ભાજપના અગ્રણી નેતાઓનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. ભાજપનો મજબુત ગઢ ગણાતું ગુજરાત હાથમાંથી જાય તે ભાજપને કોઈ કાળે પોષાય તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદી આગામી 10મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે.
PM ફરી એક વખત ગુજરાતની મુલાકાતે ?
અમદાવાદમાં 10મી સપ્ટેમ્બરે યોજાનાર વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે. આ કોન્ફરન્સમાં 28 રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ ભાગ લેશે. સતત બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ પણ સામેલ થઈ શકે છે. આ પ્રસંગે 100થી વધુ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો જગતના સીઈઓ પણ ઉપસ્થિત રહેશે.આગામી 11 સપ્ટેમ્બરના રોજ યુવા ભાજપનું એક વિશાળ સંમેલન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાય તેવી સંભાવના છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી શકે છે.
અમિત શાહ પણ આ સપ્તાહમાં આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદમાં 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 15 વર્ષ બાદ યોજાનારી છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ઘાટન અમિત શાહ કરશે. ઈકા ક્લબ કાંકરીયા ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં 19 રાજ્યોના 1031 અધિકારી અને જેલ કર્મચારી ભાગ લેશે.