તહેવારોની સીઝન નજીક છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની દિવાળી સુધારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે 17 અને 18 ઓક્ટોબરે યોજાનારા બે દિવસીય પીએમ કિસાન સમ્માન સંમેલનમાં દેશના ખેડૂતોને કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓને 12મો હપ્તો ચૂકવશે. આ 12મા હપ્તામાં દેશના ખેડૂતોના ખાતામાં રૂ.16 હજાર કરોડની રકમ જમા થશે, જેમાં ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને રૂ.1023 કરોડની રકમ પ્રાપ્ત થશે.
કિસાન સમ્માન નિધિ યોજના શું છે?
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દેશના જરૂરિયાતમંદ ખેડૂતોને વાર્ષિક રૂ.6000 આપવામાં આવે છે, જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 12મા હપ્તામાં દેશભરના ખેડૂત લાભાર્થીઓને રૂ.16 હજાર કરોડની રકમનું હસ્તાંતરણ કરવામાં આવશે. આમ, આ યોજના હેઠળ કુલ 12 હપ્તાઓમાં દેશભરના ખેડૂતોના ખાતામાં કુલ રૂ.2.16 લાખ કરોડની રકમ કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવી છે જ્યારે ગુજરાતના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 12,565 કરોડ રૂપિયા રકમ જમા કરવામાં આવી છે.