ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલી તંગદીલી વચ્ચે આજે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડોએ મહત્વનું નિવેદન આપ્યું છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કહ્યું હતું કે તેમનો દેશ ભારત સાથે વિવાદો વધારવા માંગતા નથી અને નવી દિલ્હી સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાવા માંગે છે. ટ્રુડોએ કહ્યું કે અમે કેનેડિયન પરિવારોને મદદ કરવા માટે ભારતમાં હાજરી ઈચ્છીએ છીએ.
ભારતના આકરા વલણ બાદ ઢીલા પડ્યા PM ટ્રુડો
કેનેડાના PM ટ્રુડોનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારતે કેનેડાની સરકારને 10 ઓક્ટોબર સુધીમાં પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે જો આ રાજદ્વારીઓ 10 ઓક્ટોબર પછી પણ ભારતમાં રહેશે તો તેમની રાજદ્વારી પ્રતિરક્ષા પણ રદ કરવામાં આવશે.
શા માટે સંબંધો વણસ્યા?
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને છેલ્લા ઘણા દિવસોથી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાને નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આરોપ કેનેડાની સંસદમાં લગાવ્યો હતો. આ પછી ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા અને તેમને વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. આ સાથે જ બંને દેશોએ એક બીજાના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ પણ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.