તહેવારોની સીઝનમાં દેશભરમાં જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. સીંગતેલથી માંડીને કઠોળ, અનાજ અને પેટ્રોલ-ડિઝલના ઉંચા ભાવથી લોકો ત્રસ્ત છે. કમર તોડ મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે કેન્દ્ર સરકારે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંક્યો છે.
પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો
રેલવેના સ્ટેશનના પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં સીઝન પ્રમાણે અને માંગને જોતા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે. જો કે આ વખતે તો વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદના રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી લોકોએ પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા પરંતુ હવે તેમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. લોકોએ સગા-સબંધી, મિત્ર વર્તુળ વગેરેને રેલવે સ્ટેશને મુકવા-લેવા જતા પહેલા સો વખત વિચારવું પડે તેવી સ્થિતી સર્જાઈ છે.
રેલવેના સ્ટેશનના પ્લેટફોર્મ માટે 30 રૂપિયા ચૂકવવા પડશે
વેસ્ટર્ન રેલવે હેઠળ આવતા અમદાવાદ સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના નવા દર 30 રૂપિયા છે. દર વર્ષે સામાન્ય રીતે પ્લેટફોર્મ ટિકિટના ભાવ 100-150% વધતા હોય છે પરંતુ આ વર્ષે માંગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન માટે 30 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ કરી છે.