પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE
પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ વધારીને કેન્દ્ર સરકારે બંપર કમાણી કરી છે. નાણાકિય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારની આવકનો સૌથી મોટો સોર્સ ઈનડાયરેક્ટ ટેક્સ છે. ટેક્સ રેવન્યુમાં ઈનડાયરેક્ટ ટેક્સનો હિસ્સો 50 ટકાથી પણ વધુ છે. અપ્રત્યક્ષ ટેક્સથી સરકારી ખજાનો ભરાવા પાછળ સૌથી મોટું યોગદાન પેટ્રોલિયમ પેદાશો પર લગાવેલા ટેક્સનું પણ છે. કસ્ટમ, એક્સાઈઝ જેવા ઈનડાયરેક્ટ ટેક્સનો ભાર અમીર હોય કે ગરીબ તમામે ચૂકવવો પડે છે. વર્ષ 2014-15થી 2020-21 વચ્ચે પેટ્રોલિયમ ટેક્સથી રેવન્યુમાં ત્રણગણો ઉછાળો નોંધાયો છે.
પેટ્રોલિયમ ટેક્સની આવક ત્રણ ગણી વધી
આંકડા પર નજર કરીએ તો ખબર પડશે કે ઈનડાયરેક્ટ ટેક્સ રેવેન્યૂમાં પેટ્રોલિયમ ટેક્સનો હિસ્સો દોઢ ગણો વધ્યો છે. 2014-15માં પેટ્રોલિયમ પરના ટેક્સથી રૂ. 1.3 લાખ કરોડ આવક થઈ હતી, જ્યારે 2021-22માં આવક રૂ. 4.3 કરોડ સુધી પહોંચી ગઈ હતી. 2014-15માં ઈનડાયરેક્ટ ટેક્સમાં પેટ્રોલિયમનો હિસ્સો 22.8% હતો જે 2021-22માં વધીને 34.3% થયો હતો.
પેટ્રોલિયમની કિંમતોમાં કેવો રહ્યો છે મોદી સરકારનો રેકોર્ડ?
વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ સત્તાની ધુરા સંભાળી ત્યારે દિલ્હીમાં પેટ્રોલનો રેટ 71.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 57.28 રૂપિયા પ્રતિ લીટર હતો. આજની તારીખમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના દરે વેચાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા નહીં કેમ કે મોદી સરકારે ટેક્સ દર વધારી દીધી હતી. સપ્ટેમ્બર 2022માં પેટ્રોલની કિંમતો પર કેન્દ્ર સરકારનો ટેક્સ રેટ 20 ટકા અને રાજ્યોનો ટેક્સ રેટ 16 ટકા જેટલો હતો. જ્યારે 2013-14માં કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ટેક્સ, ડ્યૂટી અને અન્ય લેવીથી 1259 અબજ રૂપિયા પ્રાપ્ત કર્યા હતા. હવે જ્યારે વર્ષ 2020-21માં મોદી સરકાર છે ત્યારે પેટ્રોલિયમ ટેક્સમાં 290 ટકાનો વધારો થયો છે અને ટેક્સ કલેક્સન વધીને 4923 અબજ રૂપિયા થઈ ગયું છે.