દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું એક કારણ કેન્દ્ર સરકારના વિવિધ કરવેરા પણ છે. જો કે કેન્દ્ર સરકારે તેની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની કોઈ તૈયારી બતાવી નથી. પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાની વાત પણ કેન્દ્ર સરકારને કરવામાં આવી તો પણ તે નકારી કાઢવામાં આવી છે. જો કે હવે નાણામંત્રી નિર્મલા સિતારમણે આ મુદ્દો રાજ્ય સરકારો પર ઢોળ્યો છે.
શું કહ્યું નાણામંત્રી નિર્મલા સિતારમણે?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું છે કે,પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ આવરી લેવા માટેની જોગવાઈ પહેલેથી જ છે. રાજ્યો વચ્ચે સહમતી બાદ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ આવરી લેવામાં આવશે. ઉદ્યોગોના ગ્રૂપ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો સાથે બજેટ બાદ સંવાદ દરમ્યાન નાણામંત્રીએ આ મોટું નિવેદન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે હાલ પેટ્રોલિયમ ક્રૂડ, પેટ્રોલ, હાઈસ્પીડ ડિઝલ, કુદરતી ગેસ અને એટીએફને GSTમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જો આવું થશે તો 2022 બાદ પહેલીવાર સરકારના કોઈ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે. નોંધનીય છે કે, GST કાઉન્સિલની 49મી બેઠક આગામી 18 ફેબ્રુઆરીએ યોજાશે.