પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE
ભારતમાં પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીએ ઘણા લોકોનું બજેટ બગાડ્યું છે. લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવને કારણે લોકોને તેમના અન્ય ઘણા ખર્ચાઓમાં કાપ મૂકવો પડી રહ્યો છે. જો તમે પણ આગામી થોડા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા રાખી રહ્યા છો, તો તમે ચોક્કસપણે નિરાશ થશો. એવું લાગી રહ્યું છે કે આગામી 6 મહિના સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા નથી.
OPECની ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપની જાહેરાત
ઓર્ગેનાઈઝેશન ઓફ ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (OPEC) એ ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે, જેથી કરીને પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમત જળવાઈ રહે. OPEC દેશોના આ નિર્ણય પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત વધવા લાગી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડાની આશા પર પાણી ફરી વળ્યું છે.
ભારત 85% ક્રૂડની આયાત કરે છે
હવે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થવાની સંભાવના છે. થોડી કસર બાકી રહી હતી તે અમેરિકાના ડોલર સામે રૂપિયાની નબળાઈએ પુરી કરી દીધી છે. ભારત તેની ક્રૂડની જરૂરિયાતના 85% આયાત કરે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારની સીધી અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ પર પડે છે.