ગજરાતમાં દારૂબંદી છે. આ વાંચ્યા પછી તમે કહેશો કે માત્ર કાગળ પર.. ભલે કાગળ પર દારૂબંદીનો કાયદો હોય પરંતુ તે કાયદો છે ખરો... ત્યારે થોડા સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સીટીમાં વાઈન એન્ડ ડાઈનની પરવાનગી આપવામાં આવી છે. અનેક નિયમો અંતર્ગત ગિફ્ટ સીટીમાં દારૂ પિરસવામાં આવશે તેવી માહિતી સરકાર દ્વારા આપવામાં આવી હતી. અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી પરવાનગીને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ છે.
અરજદાર પક્ષ દ્વારા અરજીમાં કરવામાં આવી વાત!
ગિફ્ટ સીટીમાં આપવામાં આવેલી પરમિશનને લઈ વિવાદ છેડાયો હતો. એવું કહેવામાં આવતું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ કેવી રીતે આપવામાં આવી શકે? વિવાદો વચ્ચે પણ સરકાર પોતાની વાત પર મક્કમ રહી અને ગિફ્ટ સીટીમાં છૂટ આપી. તે બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. અરજદાર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ગિફ્ટ સીટીમાં દારૂ પીને બહાર નીકળનાર વ્યક્તિ જો અકસ્માત કરે તો શું? તેની વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવાનો કે નહીં? તે ઉપરાંત એવું પણ અરજદાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દારૂ પીને યુવતીઓ- મહિલાઓની છેડતી કે અઘટિત ઘટનાઓ બને તો તે માટે જવાબદાર કોણ?
હાઈકોર્ટમાં કરવામાં આવી જાહેર હિતની અરજી
અરજદાર પક્ષ તરફથી ગિફ્ટ સીટીમાં આપવામાં આવેલી પરવાનગીને લઈ, દારૂ પીવાની પરવાનગી આપતા વિવાદીત જાહેરનામાને રદબાતલ ઠરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. એવો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે કે સરકાર ધનાઢ્ય લોકોને હાથો બની ગઈ છે.. અરજી અનુસાર માત્ર 500 કરોડની મિલ્કતના સોદાઓ અને 108 કરોડની કલબ મેમ્બરશીપ માટે સંપન્ન વ્યકિતઓના હિત માટે અને તેઓના લાભ માટે સરકારના સત્તાવાળાઓ દ્વારા આવો ગેરકાયદે નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી પરવાનગીને લઈ વિવાદ છેડાયો હતો. ત્યારે હવે સરકારના જાહેરનામાને રદ્દ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. મહત્વનું છે કે સરકારે ડિસેમ્બર 2023માં આ અંગેની છૂટ આપી હતી. આ અરજીની સુનાવણી આગામી દિવસોમાં થઈ શકે છે તેવી સંભાવનાઓ છે.