ચીનમાં કોરોના મહામારી વકરી રહી છે. દરરોજ કોરોના કેસનો આંકડો 30 હજારને પાર પહોંચી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા અનેક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ચીનમાં ઝીરો કોવિડ નીતિ અપનાવામાં આવી રહી છે. જેને કારણે ચીનમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નીતિને કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા ચીનના પશ્ચિમ ભાગમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી જેને કારણે લોકોનો આક્રોશ વધી ગયો છે.
શિયાળાની શરૂઆત થતાં જ ચીનમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. એકાએક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે સરકારે કોરોના સંક્રમણ રોકવા અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. સરકારની નીતિને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. કોરોનાને કારણે લાદેલા પ્રતિબંધોને કારણે લોકોમાં રોષ તો હતો પરંતુ થોડા દિવસો પહેલા ચીનમાં એક એપોર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં અંદાજીત 10 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.
એક તરફ કોરોના સંક્રમણને કારણે લગાવેલ લોકડાઉન અને બીજી તરફ આગની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોએ આંદોલનકારીઓને વધારે આક્રોશમાં લાવવાનું કામ કર્યું. કોરોના પ્રતિબંધો હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ ઘટનાને કારણે ચીનના શાંઘાઈમાં લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજધાની ઉરૂમકીમાં લોકો ભેગા થયા હતા અને આગની ઘટનામાં મૃત્યુ પામનારની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી હતી. અને લોકડાઉનને હટાવવાના નારા લગાવામાં આવ્યા હતા.