દેશમાં લોક સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાધીશ ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય પતાકા લહેરાવવા પ્રયાસો કરી રહ્યા છે. જો કે લોકો હવે તેમના અધિકારો અને માગણીઓને લઈ વધુ સજાગ બન્યા છે. પાટણ જિલ્લાની રાધનપુર સીટના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. લવિંગજી ઠાકોરનો ગ્રામજનો દ્વારા જાહેર સભામાં જ વિરોધ કરવામાં આવી રહ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
લોકોએ હુરીયો બોલાવ્યો
પાટણના રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની એક સભાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સમી તાલુકાના બાદરગંજ ગામના ગ્રામજનોએ પાણી મુદ્દે ભરી સભામાં જ લોકોએ ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓને હુરીયો બોલાવ્યો હતો. બાદરગંજ ગામની એક સરકારી પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં લવિંગજી ઠાકોરની સભા યોજાઇ હતી. આ ભરી સભામાં બાદરગંજના લોકોએ મીઠા પીવાના પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવી દીધો હતો. બાદરગંજ ગામના લોકોએ પીવાના મીઠા પાણીના મુદ્દે વિરોધ કર્યો હતો, વિરોધ અને હોબાળો વધતા અંતે લવિંગજી ઠાકોરની સભા વિખેરાઇ ગઇ હતી.
પીવાના પાણી મુદ્દે જનાક્રોસ
સમી તાલુકાના બાદરગંજ ગામના લોકોએ પીવાના પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવી દીધો હતો અને સભા વિખેરાઇ ગઇ હતી. આ જાહેરસભામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરની સાથે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર પણ સભામાં હાજર હતા, લોકોએ પાણી મુદ્દે હોબાળો મચાવતા મંચ પરથી નેતાઓનું ભાષણ પણ અટકાવી દીધુ હતુ. જ્યારે હોબાળો થયો તે સમયે ખુદ ધારાસભ્ય લવિંગજી ઠાકોર માઇક પર લોકોને કહેતા હતા કે શાંતિ રાખો, શાંતિ રાખો પરંતુ કોઇ તેમની વાત માની નહીં. આખરે વધુ હોબાળો થતાં નેતાઓ સભા છોડીને પલાયન થઈ ગયા હતા.