દેશના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમના મતદારોએ નવેમ્બરમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મિઝોરમમાં 4 ડિસેમ્બરે મતગણતરી થશે. આ રાજ્યોમાં ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશમાં 230, રાજસ્થાનમાં 200, તેલંગાણામાં 119 અને છત્તીસગઢમાં 90 વિધાનસભા બેઠકો છે. આ ચાર રાજ્યોમાંથી છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા પર છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન છે.
આજે 8 વાગ્યાથી મતગણતરી શરૂ
પાંચ રાજ્યોમાં તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવશે. ચાર રાજ્યોમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, ત્યારબાદ અપડેટ સામે આવવા લાગશે. મિઝોરમમાં મત ગણતરી એક દિવસ આગળ વધી છે. એટલે કે હવે પરિણામ 4 ડિસેમ્બરે આવશે.હાલમાં મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી છે, જ્યારે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારો છે અને અનુક્રમે ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોત મુખ્યમંત્રી છે. ત્યારે તેલંગાણામાં બીઆરએસ સરકાર છે અને કે ચંદ્રશેખર રાવ સીએમ છે. આવી સ્થિતિમાં આ ચારેય મુખ્યમંત્રીઓના રાજકીય ભવિષ્ય અંગે આજે જનતા પોતાનો ચુકાદો આપશે.
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર
આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. જ્યારે, કે. ચંદ્રશેખર રાવ (KCR)ની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) તેલંગાણામાં 'હેટ્રિક' ફટકારવા માંગે છે. વિવિધ એક્ઝિટ પોલે પોતાના અનુમાનો આપ્યા છે. એક્ઝિટ પોલ કેટલા સચોટ સાબિત થશે તે આજે બપોર સુધીમાં ખબર પડશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મત ગણતરી સંબંધિત તમામ અપડેટ્સ માટે જમાવટ સાથે જોડાયેલા રહો.