Ahmedabadના ઓઢવમાં સરકારી આવાસમાં રહેતા લોકો કરૂણ પરિસ્થિતિમાં, તંત્રના પાપે પાંચ દિવસથી લોકો પરેશાન, અન્ન પણ બગડી ગયું..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-31 15:37:03

ગટર અને વરસાદી પાણી ભરાયા હોય અને તમને ત્યાં કોઈ રહેવા માટે કહે તો? તમે કહેશો કે થોડી મીનિટો પણ ના રહેવાય.. વાત સાચી પણ છે.. કેવી રીતે કોઈ પણ માણસ ગટર અને વરસાદી પાણી ભરાયા હોય ત્યાં રહી શકે... પીવાના પાણીના ફાંફા હોય અને જમવાનું પણ ના મળે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાતી હશે તેની કલ્પના માત્રથી આપણને ધ્રુજારી છૂટે છે.. કોઈ તમને આવી પરિસ્થિતિ વચ્ચે રહેવાનું કહે તો તમે રહી શકો? જવાબ હશે ના... પરંતુ અમદાવાદના ઓઢવમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકો આવી જ પરિસ્થિતિમાં રહે છે અને એ પણ છેલ્લા પાંચ દિવસથી.. જમવા માટે ખાવાનું નથી અને પીવા માટે પાણી નથી.. જેમ તેમ કરીને જમવાની અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે..        


 


વડોદરામાં સર્જાયેલી પરિસ્થિતિની આપણે વાત કરી.. ઘરોમાં ઘૂસેલું પાણી જોયું અને પાણીથી થયેલા નુકસાનને.. વડોદરાની આફત કુદરતી આફત તો કહેવાય પણ તેના કરતા પણ વધારે માનવ સર્જીત તે આફત છે.. વાત વડોદરાની નહીં પરંતુ વાત અમદાવાદના ઓઢવ વિસ્તારની કરવી છે.. વાત કરવી છે ઓઢવમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાની જ્યાં વરસાદી પાણીની સાથે સાથે ગટરનું પાણી ભરાય છે અને એ પણ દર વર્ષે.. જમાવટની ટીમ ઓઢવમાં આવેલા મધુમાલતી આવાસ પહોંચી ત્યારે ત્યાં હાજર લોકોનો રોષ છલકાઈને બહાર આવ્યો હતો..દર વર્ષે સર્જાતી આવી પરિસ્થિતિથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે... 


અમદાવાદમાં થોડા સમય પહેલા વરસાદ પડ્યો હતો. અમદાવાદને સ્માર્ટ સિટી કહેવાય છે. પરંતુ સ્માર્ટ સિટીની શું હાલત છે તે આપણે જાણીએ છીએ..બિસ્માર રસ્તાઓ, અનેક દિવસો સુધી ભરાઈ રહેતુ પાણી, લોકોને પડતી અગવડ.. આ આવાસ યોજનામાં પણ આવી જ કંઈક પરિસ્થિતિ હતી.. આવાસ યોજનામાં રહેતા રોબીન ભાઈ સાથે જમાવટની ટીમે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે 2017માં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને તે પછી દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે.. અડધો માળ સુધી પાણી ભરાયા.. પાંચ દિવસથી આ લોકો વરસાદી કમ ગટરના પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. અમદાવાદમાં વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે.. તેમણે કહ્યું બહાર બધે કોરૂં હોય અહીંયા જ પલળેલું હોય..   



જ્યારે પૂછ્યું કે નેતાઓ આવે છે ત્યારે સ્થાનિકે કહ્યું કે નેતાઓ તો નથી આવ્યા.. કર્મચારીઓ આવે છે તેમને કહીને શું કરવાનું? આગળથી જ કંઈ ના કરતા હોય.. ગઈકાલે જ્યારે આ ટીમ ગઈ હતી ત્યારે પાણી કાઢવા માટે ત્રણ દિવસથી માણસો આવે છે પરંતુ તેમની પાસે મશીનો એવા નથી જેનાથી પાણીનો નિકાલ થાય... તો બીજા એક સ્થાનિકે કહ્યું કે વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તે અહીંયા આવ્યા હતા. આ સમસ્યાનો નિકાલ થઈ જશે તેવી વાત કરી હતી પરંતુ આજે પણ સમસ્યા એવીને એવી જ છે.. ફૂલ પાણી ભરાઈ ગયા અને ખાવા પીવાના ઠેકાણા નથી.. બે ત્રણ દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા જમવાનું આપી જાય છે. પીવા માટે એક જ બોટલ આપે છે. એક બોટલમાં શું કરીએ. બોટલ પણ પાંચ રુપિયા વાળી એવી વાત બીજા એક સ્થાનિકે કરી.. 



તેમણે કહ્યું કે વરસાદી પાણી ઉતરે તો ખાવા પીવાનું તો જાતે પણ કરી લઈએ.. પણ આ પાણી ઉતરવું તો જોઈએને... વરસાદી પાણી કરતા ગટરનું પાણી બેક મારે છે.. જે આવાસની અમે મુલાકાત લીધી તેમાં 18 બ્લોક છે અને એક બ્લોકમાં 36 મકાનો છે.. તેમણે જણાવ્યું કે નીચેના 8 મકાનો તો પાણીમાં જ જતા રહે.. લાઈટો પણ અનેક દિવસોથી ન હતી જેને કારણે નાના બાળકો હોય તેવા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.. પાંચ દિવસથી તેમના ત્યાં લાઈટો જ ન હતી અને વળી જે લોકો બિમાર પડ્યા છે તેમને પણ અગવડ પડી છે.. વરસાદી પાણી કરતા ગટરનું પાણી વધારે ભરાય છે જેને કારણે લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે... જો વરસાદ આવે તો પરિસ્થિતિ વધારે કપરી બની જાય... કાયમી નિકાલ આવે તેની માગ સ્થાનિકોએ કરી છે... 


જે જગ્યા પર આ આવાસ બનાવવામાં આવ્યું છે તે નીચાણવાળો વિસ્તાર છે.. જેને કારણે વરસાદી પાણી પણ અનેક વખત ભરાઈ જાય છે. થોડા દિવસ પહેલા જ્યારે અમદાવાદમાં વરસાદ આવ્યો હતો ત્યારે ઘરમાં રહેલી વસ્તુઓ, અનાજ પણ પલળી ગયું.. તે સિવાય તેમના વાહનોને પણ મોટા પાયે નુકસાન થયું છે... બધા રોજનું કમાઈને રોજનું ખાનારા છે.. માનવતાના રૂપે ઉપરના માળના લોકો મદદ કરે પરંતુ કેટલા દિવસ? એક વ્યક્તિએ કહ્યું અમે ભૂખ્યા અને તરસ્યા આમને આમ પડી રહ્યા છીએ.. જો ઘર છોડીને જઈએ તો ચોર આવવાની બીક રહે.. એટલે આવી પરિસ્થિતિમાં પણ અમે ઘરને છોડ્યું નહીં. ઘર છોડીને જઈએ ક્યાં? 

જ્યારે ટીમે પૂછ્યું કે કોઈ જોવા આવતું નથી? તો તેમણે કહ્યું કે પાણી ભરાય ત્યારે અહીંયા આવવાનું, જોવાનું અને મજા લઈને જતા રહેવાનું.. આ પ્રશાસન છે આપણું.. આઈને જોઈને, મજા લઈને જતા રહેવાનું.. અમે સુરક્ષિત છીએ.. બીજા કોઈનાથી કોઈ મતલબ નથી.. જે જગ્યા પર ટીમે શૂટ કર્યું તે જગ્યા પર ઓછું પાણી હતું પરંતુ તેના અંદર તો વધારે ગંભીર પરિસ્થિતિ હતી. પરિસ્થિતિ તો ગંભીર છે પરંતુ તેના કરતા પણ વધારે ગંભીર સવાલ પ્રશાસનને કરવો છે.. આડેધડ વિકાસ કરીને શહેરની પથારી ફેરવી દીધી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..  



ટાઉન પ્લાનિંગ જેવો શબ્દ ઘરોનું બાંધકામ થાય તે માટે વાપરવામાં આવે છે.. મતલબ ઘર બનાવે તે પહેલા આખું પ્લાનિંગ કાગળ પર થઈ જાય.. કઈ લાઈન ક્યાં નાખવી વગેરે ડિસાઈડ થઈ જાય... પરંતુ ઘણી વખત એવું થાય છે કે રસ્તા બની જાય તેના પછી ફરીથી રસ્તા પર ખોદકામ કરવામાં આવે છે કારણ શું તો કે આની લાઈન નાખવાની રહી ગઈ હતી.. તે લાઈન નાખી દે તેના પછી ફરી યાદ આવે કે આ લાઈન તો નાખવાનું જ ભૂલી જવાયું.. એટલે બધુ પાછું ખોદકામ કરવામાં આવે.. આ તો જાણે રોજનું થઈ ગયું.. દર વખતે આ લોકોને જે સમસ્યા વેઠવી પડે છે તેનો નિકાલ જલદી આવે અને આવી પરિસ્થિતિ ફરીથી ના સર્જાય તેવી આશા.. કારણ કે અમે તો માત્ર પરિસ્થિતિ દર્શાવી શકીએ છીએ, આશા રાખી શકીએ છીએ પરંતુ સત્તાધીશો પણ આ સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે.. આ સમસ્યાનો જલદી નિવેડો આવે તેવી આશા..    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?