કોરોના કાળ બાદ આ વર્ષે દિવાળીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. જેને કારણે લોકોમાં આ વખત દિવાળીને લઈ અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજ કાલ લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં માને છે જેને કારણે દિવાળીના આગલા દિવસે ખરીદી કરવા જતા હોય છે. જેને કારણે બજારોમાં ભીડ ઉમટી પડે છે. દિવાળીની ખરીદીને કારણે બજારોમાં રોનક જોવા મળી છે. દિવાળીના આગલા દિવસે લાલદરવાજામાં એટલી ભીડ ઉમટી કે પગ મૂકવાની જગ્યા ન હતી.
લાલદરવાજાના બજારમાં લોકોની ભીડ
કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષોથી ધામધૂમથી તહેવારની ઉજવણી નથી કરવામાં આવી. કોરોના ઘટતા આ વર્ષે કોઈ જાતના પ્રતિબંધ વગર તહેવારની ઉજવણી કરાઈ રહી છે, જેને કારણે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી સમયે નવા કપડા, ઘરેણાં તેમજ સજાવટની વસ્તુઓની ખરીદી થતી હોય છે. જેને લેવા લાલદરવાજાના બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. એટલી ભીડ હતી કે પગ મૂકવાની જગ્યા પણ નથી મળતી. દિવાળી ટાણે ભીડ હોવાને કારણે વિક્રેતાઓની દિવાળી પણ સુધરી છે.
આનંદ સાથે કરી લોકોએ ખરીદી
ખરીદી માટે લોકો લાલદરવાજા પસંદ કરતા હોય છે. લાલદરવાજામાં ભરાતા માર્કેટમાં દરેક વસ્તુઓ મળી જતી હોય છે. જેને કારણે સામાન્ય દિવસોમાં પણ ત્યાં ભીડ જોવા મળતી હોય છે. પરંતુ દિવાળીના દિવસો દરમિયાન ત્યાંની રોનક જ અલગ હોય છે. મોટી સંખ્યામાં ખરીદારો દિવાળીના સમયે ત્યાં આવી પહોંચતા હોય છે. ત્રણ દરવાજામાં પણ ભારે ભીડ જોવા મળતી હોય છે. કોરોનાનો કપરો સમય વીતી ગયા પછી આ પહેલી એવી દિવાળી છે જેમાં લોકોમાં અનેરો ઉત્સાહ તેમજ આનંદ જોવા મળી રહ્યો છે.