15 જૂન આસપાસ વાવાઝોડું ગુજરાતમાં ટકરાઈ શકે છે. ગુજરાતથી માત્ર થોડા કિલોમીટર જ વાવાઝોડું દૂર છે. તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી ગઈ છે. એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. દરિયાકાંઠાથી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે રેસ્ક્યુ દરમિયાન અનેક એવા દ્રશ્યો આવ્યા જે આપણું દિલ જીતી લેશે. કચ્છમાં બિપોરજોયની સૌથી વધારે અસર જોવા મળવાની છે. ગંભીર પરિસ્થિતિનો સામનો કચ્છના લોકોને કરવો પડી શકે છે. ત્યારે લોકોને સુરક્ષાની દ્રષ્ટિએ સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
અનેક વખત લોકો સ્થળાંતર કરવા નથી હોતા તૈયાર!
દેશના કોઈ જગ્યા પર જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે દેવદૂત બની રેસ્ક્યુ કરવા એનડીઆરએફની ટીમ તેમજ પોલીસની ટીમ પહોંચી જતી હોય છે. ખતરાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને સમજાવાય છે કે સ્થળાંતર કરવું તેમના જીવન માટે જરૂરી છે.
સાવચેતીપૂર્વક વૃદ્ધાને ખસેડાયા!
પરંતુ લોકો પોતાની ઝુંપડીને છોડવા તૈયાર નથી હોતા. તે સમજે છે કે જો તેઓ બીજી જગ્યા પર જશે તો કેવી રીતે પોતાનું જીવન ગુજારો કરશે. પૈસા બધા માટે મહત્વના છે પરંતુ જીવન કરતા તો મુલ્યવાન નથીને. આ વાત સ્થાળાંતર કરતા લોકોએ પણ સમજવી પડશે અને એનડીઆરએફની ટીમ તેમના હીત માટે જ કહી રહ્યા છે. ત્યારે કચ્છથી જે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પોલીસ દ્વારા દિવ્યાંગ વૃદ્ધાને શેલ્ટર હોમ ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.