બોલિવુડની વિવાદાસ્પદ અભિનેત્રી પાયલ રોહતગી ફરી એકવાર ચર્ચામાં આવી છે. પાયલ રોહતગી સામે અમદાવાદના સેટેલાઈટની સુંદર એપિટોમ સોસાયટીના ચેરમેનને ધમકી આપવાના આરોપ હેઠળ બે વર્ષ પહેલા ફરિયાદ થઈ હતી. જો કે હવે વિવાદિત અભિનેત્રી પાયલ રોહતગી સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી FIR રદ્દ કરવા હાઈકોર્ટના શરણે પહોંચી છે. પાયલ રોહતગીએ હાઇકોર્ટ સમક્ષ માફી પણ માંગી છે. સમગ્ર કેસમાંથી રાહત તેમજ કેસ રદ્દ કરવા કોર્ટ સમક્ષ અભિનેત્રી પાયલ રોહતગીએ આંસુ પણ સાર્યા છે. પરંતુ FIR રદ્દ કરવી કે નહિ તે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય લેશે. આ મામલે 29 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.
આ સમગ્ર મામલો શું છે?
એક્ટ્રેસ પાયલ રોહતગીએ અમદાવાદના સેટેલાઈટીની સુંદર એપિટોમ સોસાયટીની એક ગ્રૂપ મીટિંગમાં ચેરમેન સાથે અભદ્ર વર્તન કર્યું હતું. પાયલ રોહતગીએ સોસાયટીના વોટ્સએપ ગૃપમાં અશ્વિલ મેસેજ કરી ચેરમેનને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પાયલે મીટિંગ દરમિયાન સભ્યોને ડરાવવા મોબાઈલમાં વીડિયો રેકોર્ડ શરૂ કર્યું હતું. જે અટકાવવાનું કહેતા જ તેણે સભ્યો સાથે અપશબ્દો બોલવાનું શરુ કર્યુ હતુ. તે ઉપરાંત પાયલ રોહતગીએ સોસાયટીના બાળકો કમ્પાઉન્ડમાં રમશે તો ટાંટિયા ભાગી નાખવાની ટ્વિટર પર ધમકી આપી હતી. જે બાદ પાયલ રોહતગી સામે સોસાયટીમાં જ રહેતા તબીબ અને સોસાયટીના ચેરમેન પરાગ શાહે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ બાદ અભિનેત્રીની અટકાયત કરવામાં આવી હતી.