ગુજરાતના બે પવિત્ર તિર્થધામો પાવાગઢ અને ગિરનારમાં રોપ-વે સેવા બંધ છે. રોપ-વે સેવા બંધ હોવાનું કારણ કોઈ ટેકનિકલ ખરાબી નહીં પણ રાજ્યમાં પડી રહી કાતિલ ઠંડી અને સુસવાટા મારતા પવનોના કારણે શ્રધ્ધાળુંઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે તથા સતત વેગિલા પવનનોથી યાત્રિકોની સુરક્ષા માટે રોપ-વે સંચાલકોએ આ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે.
પાવાગઢ-જુનાગઢમાં કડકડતી ઠંડી
જૂનાગઢ શહેર ગીર જંગલથી ઘેરાયેલું હોવાથી સ્વાભાવિક રીતે જ રાજ્યના અન્ય ભાગોની તુલનામાં ત્યાં ઠંડીનું જોર વધું રહે છે. તો આવી જ પરિસ્થિતી પાવાગઢમાં પણ જોવા મળી રહી છે તેથી આ બંને યાત્રાધામોમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. જૂનાગઢ ગિરનાર અને પાવાગઢમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ રોપ-વેમાં બેસવા માટે લાઈનમાં ઉભા નહીં રહેવા માટે રોપ વે સંચાલકોએ યાત્રિકોને જણાવ્યું છે. એકંદરે યાત્રિકોની સુરક્ષા અને ગઢ પર જવા માટે પાંખી હાજરીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં ઠંડીથી જનજીવન ખોરવાયું
રાજ્યમાં નવા વર્ષના આગમન સાથે જ હાંડ થીજવતી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. શહેર કરતા પણ ગામડામાં સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે જન જીવન પર ખતરનાક અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગે 10 દિવસની કાતિલ ઠંડીની આગાહી કરી છે, તેથી લોકોએ હજુ થોડા દિવસ સુધી ઠંડીમાં ઠુંઠવાવા માટે તૈયારી રાખવી પડશે.