બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી મામલે રાજ્યની નિતીશ કુમારની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં વસ્તી ગણતરી કરાવવાના બિહાર સરકારના નિર્ણય પર હાઈકોર્ટે તાત્કાલિક અસરથી સ્ટે લગાવી દીધો છે. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વી ચન્દ્રનની બેંચે આ ચુકાદો સંભળાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 3 જુલાઈ થશે. બિહાર સરકાર તરફથી એડવોકેટ પી કે શાહી પટણા હાઈકોર્ટમાં પોતાની દલીલ રજુ કરી હતી.
પટણા હાઈકોર્ટ 3 જુલાઈએ કરશે સુનાવણી
હવે આ મામલે પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ મધુરેશ પ્રસાદની બેન્ચ આગામી સુનાવણી 3 જુલાઈના રોજ કરશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન બિહાર સરકારે કહ્યું હતું કે આ પૂર્ણ વસ્તી ગણતરી નથી. જેથી જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો હક રાજ્ય પાસે છે. તેમાં માત્ર એ લોકોની જ ગણતરી કરવામાં આવી રહી છે, જે આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના છે.
વસ્તી ગણતરીના આંકડા જાહેર નહીં થાય
પટણા હાઈકોર્ટે કહ્યું છે કે આગામી સુનાવણી 3 જુલાઈના દિવસે યોજાશે. ત્યાં સુધી બિહારના જાતિ આધારીત વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યની નીતીશ કુમારની સરકારના જાતિ આધારીત વસ્તી ગણતરીના નિર્ણય સામે પટણા હાઈકોર્ટમાં 6 અરજીઓ કરાવામાં આવી હતી. જેમાં અરજીકર્તાઓએ આ વસ્તી ગણતરીને તાત્કાલિક બંધ કરાવવાની માગ કરી હતી.