ગુજરાત વિધાનસભામાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 156 સીટો જીતી વિક્રમ સર્જ્યો છે. ત્યારે આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સી.આર.પાટીલને રાજસ્થાનના પ્રભારી બનાવી શકાય છે. મળતી માહિતી અનુસાર ભાજપના કેન્દ્રીય નેતૃત્વની સંમતિ મળી ગઈ છે અને આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે.
રાજસ્થાન ચૂંટણીમાં સી.આર.પાટીલ ભજવી શકે છે ભૂમિકા!
સી.આર.પાટીલને વડાપ્રધાન મોદીના નજીકના તેમજ વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે. ચૂંટણીને લઈ સી.આર.પાટીલને મહત્વની ભૂમિકા સોંપવામાં આવતી હોય છે. ઉત્તરપ્રદેશ, બિહાર સહિત દેશની અનેક ચૂંટણીમાં સી.આર.પાટીલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતમાં ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી દરમિયાન સી.આર.પાટીલે ખુબ મોટી ભૂમિકા ભજવી હતી. ત્યારે રાજસ્થાન ચૂંટણીમાં તેમની રણનીતિનો સહારો લઈ શકાય છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.
સી.આર.પાટીલને રાજસ્થાનના પ્રભારી બનાવાશે!
હાલ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ છે. તેમના દ્વારા ઘડવામાં આવેલી રણનીતિને નિષ્ણાંતો માઈક્રો લેવલની રણનીતિ ગણતા હોય છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ તેમને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવી શકે છે. રાજસ્થાનમાં આ વખતે ભાજપને જૂથવાદનો સામનો કરવો પડી શકે છે. કારણ કે એક તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતાને મુખ્યમંત્રીના ઉમેદવાર માની રહ્યા છે તો બીજી તરફ રાજસ્થાનના ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ આ વાતને લઈ દાવો રજૂ કરી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં ભાજપ માટે જૂથવાદ એક સમસ્ચા સાબિત થઈ શકે છે. ચૂંટણી દરમિયાન આંતરિક ડખા ન થાય તે માટે સી.આર.પાટીલને રાજસ્થાન ઈલેક્શનની જવાબદારી સોંપવામાં આવી શકે છે.