25 જાન્યુઆરીએ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવાની છે. પરંતુ આ ફિલ્મને લઈ અનેક વિવાદો ચાલી રહ્યા છે. બેશરમ રંગ સોન્ગમાં કેસરી રંગનો ઉપયોગ કરવાને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. આ રંગને હિંદુઓની લાગણી સાથે જોડી આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બુધવારે અમદાવાદના આલ્ફા વન મોલમાં બજરંગ દળ અને વીએચપી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિરોધ પ્રદર્શનમાં પોસ્ટરને પહોંચાડ્યું નુકસાન
પઠાણ ફિલ્મને લઈ ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારથી ફિલ્મનું પ્રથમ ગીત રિલીઝ થયું ત્યારથી વિવાદ છેડાઈ ગયો હતો. દિપીકાની ભગવા રંગની બિકીનીના કારણે આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. અનેક સ્થળો પર પોસ્ટર લઈ આ ફિલ્મ અંગે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અનેક વખત પોસ્ટરને ફાળી નાખવામાં આવ્યા હતા તો કોઈ વખત બાળી પણ નાખવામાં આવ્યા હતા. ત્યારે બુધવારે અમદાવાદના આલ્ફા વન મોલમાં બજરંગ દળ તેમજ વિએચપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પોસ્ટરને ફાળી નાખી આક્રામક વિરોધ નોંધાવામાં આવ્યો હતો.
આવનાર સમયમાં આ ફિલ્મનો થઈ શકે છે ઉગ્ર વિરોધ
પઠાણ ફિલ્મનો વિરોધ તો કરાયો પરંતુ ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન શાહરૂખ સહિતના સ્ટાર કાસ્ટના પોસ્ટરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરનાર લોકોએ ચીમકી પણ આપી કે જો ફિલ્મ રિલીઝ થશે તો આનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આ ફિલ્મને લઈ અનેક સમાજ, ધર્મ તેમજ કલાકારો પણ પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. ત્યારે આવનાર સમયમાં આ ફિલ્મનો વિરોધ ઉગ્ર રૂપ ધારણ કરી શકે છે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે.