શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો ગુજરાત અને દેશભરમાં જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મના એક ગીતમાં ‘ભગવા બિકિની’ને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોએ ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાની જાહેરાત કરી છે. તેમાં પણ સોશિયલ મીડિયા પર ‘પઠાણ’ ફિલ્મને લઈ ધમકી આપનાર વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જો કે આજે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપી સન્ની ગીરીશભાઇ શાહની અટકાયત કરવામાં આવી છે.
આરોપી હિન્દુ રક્ત પરિષદનો સ્થાપક છે
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપી સન્ની ગીરીશભાઇ શાહ ધોરણ-12 નાપાસ છે. અને છેલ્લા ચાર મહિનાથી કેફે ચલાવી વેપાર ધંધો કરે છે. તે ઉપરાંત તે છેલ્લા ચાર વર્ષથી હિન્દુ રક્ત પરિષદ નામની સંસ્થા સ્થાપી સનાતન હિન્દુ સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર સોશીયલ મીડીયાના માધ્યમથી કરે છે.
રાજ્યના વિવિધ શહેરોમાં જોરદાર વિરોધ
પઠાણ ફિલ્મનું એક ગીત ‘બેશરમ રંગ’રિલીઝ થયું ત્યારથી જ તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પહેલા સુરત તથા વડોદરામાં પણ વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને થિયેટરમાં જઈને પઠાણ ફિલ્મના પોસ્ટર્સ ઉતારીને ફાડી નાખ્યા હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી 25મી જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તેને ગુજરાતમાં રિલીઝ થવા દેવાશે કે નહીં અને જો રિલીઝ કરાશે તો પછી વીએચપી અને બજરંગદળના કાર્યકરો કેવા પ્રકારનો વિરોધ કરશે.
સરકારે આપી છે સુરક્ષાની બાહેધરી
મલ્ટીપ્લેક્સ એસોસિયેશનના આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. તેમણે સરકાર પાસે ફિલ્મ રિલિઝ થાય ત્યારે મલ્ટિપ્લેક્સની સુરક્ષાની બાહેધરી માગ હતી. સરકારે પણ સંપુર્ણ સુરક્ષાની બાહેધરી આપી છે.