લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે. ઉમેદવારોને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ 15 બેઠકો માટે ભાજપે જાહેરાત કરી દીધી છે. એવું લાગતું હતું કે લોકસભા બેઠકો માટે કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે પરંતુ આ બધા વચ્ચે સમાચાર આવ્યા કે જગદીશ ઠાકોર ચૂંટણી નથી લડવાના. તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરુરી છે.
ભાજપ અને કોંગ્રેસ કરી શકે છે ઉમેદવારોના નામની યાદી જાહેર
ભારતીય જનતા પાર્ટીએ 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાત માટે કોંગ્રેસે એક બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી જ્યારે ભાજપે 26માંથી 15 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. 7 માર્ચથી રાહુલ ગાંધી ગુજરાતમાં હતા. તેમની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં હતી. એવું લાગતું હતું કે રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ થશે તે બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવશે અને એવી માહિતી પણ સામે આવી છે કે આજ સાંજ સુધીમાં આ યાદી જાહેર થઈ શકે છે.
જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર!
પાટણ લોકસભા બેઠક માટે એવું માનવામાં આવતું હતું કે જગદીશ ઠાકોરને ઉમેદવાર કોંગ્રેસ બનાવી શકે છે પરંતુ ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. એક નિવેદન સામે આવ્યું છે જેમાં જગદીશ ઠાકોરે આ અંગેની વાત કરી છે. જો પાટણ લોકસભા બેઠકની વાત કરીએ તો ૨૦૧૯માં પાટણ લોકસભામાં BJPના ભરતસિંહજી ડાભી દ્વારા ૧,૯૩ , ૮૭૯ ની સરસાઈથી જીત મેળવાઈ હતી. તો સામે કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોર ઉભા હતા . હવે વાત પાટણ લોકસભાના એરિથમેટિકની તો આ લોકસભામાં આવે છે. વડગામ , કાંકરેજ , રાધનપુર , ચાણસ્મા , પાટણ , સિદ્ધપુર , ખેરાલુ એમ આ બેઠકની અંદર સાત વિધાનસભા બેઠક આવે છે.
કોંગ્રેસે 4 બેઠકો પર જ્યારે બીજેપીએ 3 બેઠકો પર જીત હાંસલ કરી
કોંગ્રેસે ૨૦૨૨ની વિધાનસભામાં ૪ બેઠકો વડગામ , કાંકરેજ , ચાણસ્મા , પાટણ જીતી હતી , જયારે BJP એ માત્ર ૩ બેઠકો રાધનપુર , સિદ્ધપુર અને ખેરાલુ પર વિજય મેળવ્યો હતો . આ તરફ આપને જણાવી દઈકે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન ન હતું , એટલે કોંગ્રેસના વોટ પણ કપાયા હતા . બીજી સૌથી મહત્વની વાત એ છે કે , કોંગ્રેસને આ વસ્તુ છેક ૨૦૨૨થી ખબર હતી તો પણ કોંગ્રેસે મેહનત ચાલુ ના કરી. ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ આ બેઠક માટે કોને ઉમેદવાર બનાવે છે?