ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની રહી છે, દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી જેમની શિરે છે તે પોલીસકર્મીઓ જ દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાય ત્યારે ફરિયાદ પણ કોને કરવી. રાજ્યના પોલીસ વિભાગના પોલીસકર્મીઓ જ દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતા હોય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. પાટણ LCB પોલીસે બાતમી આધારે શનિવારે રાત્રે કરેલી રેડમાં શહેરના સ્ટે ઇન ગેસ્ટ હાઉસમાં દારૂની મહેફિલ માણતાં પાટણ એ ડીવીઝન પોલીસનો ASI કૃષ્ણપુરી ભાસ્કરપુરી ગોસ્વામી પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ASI કૃષ્ણપુરી ઉપરાંત 5 શખ્સો પણ ઝડપાઈ ગયા હતા. પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે 5 શખ્સો સામે પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.
બાતમીના આધારે કાર્યવાહી
પાટણ ખાતે હારિજ ત્રણ રસ્તા નજીક હારીજ લીંક રોડ સુદામા ચોકડી પાસે આવેલા શુભમ કોમ્પલેક્ષના બીજા માળે ચાલતી હોટેલ સ્ટે ઈનનાં બેઠક રૂમમાં દારૂની મહેફિલ જમાવી બેઠેલા પાંચ મિત્રોને પાટણ એલસીબી પોલીસે ઓચિંતી રેડ કરી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પાટણ શહેરના હારીજ ચાણસ્મા રોડ ઉપર હોટલ સ્ટે ઇન આવેલી છે. આ હોટલમાં કેટલાક શખ્સો દારૂ ઢિંચતા હોવાની LCB સ્ટાફને બાતમી મળી હતી. જ્યાં મધરાત્રે પાટણ એલસીબી પોલીસે રેડ કરતાં દારૂની મહેફિલ માણતા નબીરાઓમાં દોડધામ મચી હતી. પોલીસે કાંકરેજ અને મહેસાણાનાં ચાર મિત્રો સાથે પાટણના એક ASIને દારૂની મહેફિલ માણતાં આબાદ પકડી પાડ્યા હતા.
આ પાંચ આરોપીઓ સામે નોંધાયો ગુનો
પાટણ LCB પોલીસે અડધી રાતે અચાનક જ રેડ કરતાં દારૂની મહેફિલ માણતા પોલીસકર્મી ગોસ્વામી કૃષ્ણપુરી ઉપરાંત ઈશ્વરસિંહ રાજપૂત, સાહિલ રાવત, દિલીપ ચૌધરી, જયદિપ પંચાલ દારૂ પીતાં ઝડપાઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. LCBએ તમામ પાંચેય જણાને ઝડપી લઈને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.