કલોલ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર અંબિકા બસ સ્ટેન્ડ નજીક આ અકસ્માત સર્જાયો છે. બસની રાહ જોતા લોકો પર બસ ફરી વળી હતી. ખાનગી બસ અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેેલે શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનામાં મોત પામેલા લોકોને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી છે જ્યારે ઈજાગ્રસ્તને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.
કલોલમાં થયેલ અકસ્માતમાં નિર્દોષ મુસાફરોએ જીવ ગુમાવ્યો એ ખૂબ દુ:ખદ છે. જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 10, 2023
એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત!
સમગ્ર ઘટનાની વાત કરીએ તો અંબિકા બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા મુસાફરો વાહનની રાહ જોતા હતા તે વખતે વાદળી કલરની એસટી બસ રોડ પર ઉભી હતી. આ બસની આગળ મુસાફરો ઉભા હતા. તે દરમિયાન ફૂલ સ્પીડમાં પાછળથી આવતી લક્ઝરી બસે વાદળી બસને ટક્કર મારી હતી. એસ.ટી બસને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી કે આગળ ઉભેલી વાદળી બસ આગળ ધકેલાઈ ગઈ. બસને ટક્કર વાગતા વાદળી બસ આગળ ધકેલાઈ અને બસની આગળ ઉભેલા લોકો બસની અટફેટે આવી ગયા. અને પાંચ જેટલા મુસાફરોના ઘટના સ્થળે કરૂણ મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!
આ બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.