ઈરાનમાં પર્સિયન સામ્રાજ્યના પતન બાદ ઈસ્લામિક શાસન આવ્યું અને સ્થાનિકોની જિંદગી જાણે કાયમ માટે બદલાઈ ગઈ. ઈરાનમાં ઈસ્લામનું આગમન થયું ત્યારથી લગભગ એક સદી બાદ હજારો પારસી બહાદુર પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સાથે ધર્મ અને જાનમાલના રક્ષણ માટે હિજરત કરી હતી. લગભગ 1,300 વર્ષ પહેલાં પારસીનો પહેલો જથ્થો વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતર્યો હતો. પારસીઓના સંજાણ આગમનના દિવસને "સંજાણ દિવસ' તરીકે ઊજવવામાં આવે છે. પારસીઓ સંજાણ દિવસની આ પરંપરાગત ધાર્મિક ઉજવણીને "જશન સેરેમની' તરીકે ઓળખે છે. ભારતભરમાં રહેતા પારસી સમાજના લોકો મોટી સંખ્યામાં સંજાણ પહોંચ્યા હતા અને તેમણે કીર્તિ સ્થભની પૂજા કરીને સંજાણ ડેની ઉજવણી કરી હતી. આજના દિવસને દેશભરનો પારસી સમુદાય સંજાણને ખૂબ જ પ્રેમ અને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે, કારણ કે અહીં સૌપ્રથમ વખત ઈરાનશાહને પવિત્ર કરવામાં આવ્યા હતા.
શા માટે પારસી કહેવાયા?
ઈરાનમાં મુસ્લીમ આક્રમણકારોએ ઈરાનમાં ઝોરોસ્ટ્રિયન ધર્મ ધર્મના છેલ્લા અવશેષોને દૂર કરવાનું નક્કી કર્યું હતું. પર્સિયનોની મોટી સંખ્યામાં કતલ કરવામાં આવી, તેમના પવિત્ર પુસ્તકોને બાળી નાખવામાં આવ્યા, તેમના અગ્નિ મંદિરોને અપમાનિત કરવામાં આવ્યા હતા. તેમના ધર્મ અને વંશીય ઓળખને જાળવવાના આશયથી પાદરી દસ્તુર નર્યોસંગ ધવલની આગેવાની હેઠળ થોડા હજાર પારસીઓએ ભારતમાં સ્થળાંતર કરવાનું નક્કી કર્યું હતું. તેઓ 8મી સદીના ઉત્તરાર્ધમાં ભારત તરફ પ્રયાણ કર્યું અને પોતાના ધર્મના રક્ષણ માટે વતન છોડીને સંજાણમાં આવીને વસ્યા, તેમણે સ્થાનિક ભાષા, પહેરવેશ તથા વ્યવસાયો સ્વીકારવા છતાં પોતાની કોમ અને ધર્મનું અલગ અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. તેઓ ઈરાનના પાર્સ નામના પ્રાંત ઉપરથી પારસીઓ કહેવાયા. તેઓ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં સ્થાયી થયા. તેમણે પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક અને રાજકીય વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
સંજાણમાં દેશનો સૌપ્રથમ આતશ બહેરામ
પારસીઓએ સંજાણમાં વસવાટ ક્યારે કર્યો એ અંગે વિદ્વાનોમાં વિવિધ મત પ્રવર્તે છે. પણ પારસીઓ સંજાણમાં ઈ. સ. 936માં આવીને વસ્યા એ મત સ્વીકાર્ય છે. પારસીઓના ભારતમાં આગમન વિશે બહુ ઓછું જાણીતું અથવા દસ્તાવેજીકૃત છે. પારસીઓ અંગે સૌથી જૂનો રેકોર્ડ 1600માં નવસારીના બેહમન કૈકોબાદ સંજાણાએ‘કિસ્સએ-સંજાન’નામના ફારસી કાવ્યમાં છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પારસીઓએ ઈરાન છોડ્યું ત્યારે તેઓ સૌ પ્રથમ દીવ (કાઠિયાવાડ)માં ઉતર્યા હતા. લગભગ ચૌદ વર્ષ ત્યાં રહ્યા પછી તેઓ ગુજરાતના સંજાણમાં રહેવા ગયા હતા. પરંતુ સંજાણને દીવ કરતાં વધુ મહત્વ આપવામાં આવે છે કારણ કે ભારતમાં પ્રથમ આતશ બહેરામ (ઈરાનશાહ) સંજાણમાં છે. ભારતમાં આતશ બહેરામને પવિત્ર કરવા માટે જરૂરી આલાત અથવા પવિત્ર ધાર્મિક વિધિઓ, જેમાં ખોરાસનમાં આતશ બહેરામની પવિત્ર રાખનો સમાવેશ થાય છે, જે કથિત રીતે તે ઈરાનથી ઘોડા પર અને પગપાળા અફઘાનિસ્તાન અને આજના પાકિસ્તાન થઈ સંજાણમાં લાવવામાં આવી હતી. તેથી, ભારતમાં પારસીઓ દ્વારા પવિત્ર કરાયેલ પ્રથમ આતશ બહેરામનું નામ ઈરાનશાહ રાખવામાં આવ્યું છે, કારણ કે તે ઈરાન સાથે આધ્યાત્મિક અને ધાર્મિક સંબંધ ધરાવે છે.
સંજાણના રાજાની શરતો સ્વિકારી
સંજાણના રાજા જાદિ રાણાએ દસ્તૂરની આશ્રય માટેની વિનંતી સાંભળીને શરતો મૂકી કે (1) તમારા દેશની ભાષા છોડી ભારતની ભાષા અપનાવવી, (2) તમારી સ્ત્રીઓ અમારી સ્ત્રીઓના જેવો પહેરવેશ પહેરે, (3) તમારે તમારાં બધાં શસ્ત્રો દૂર કરી દેવાં, (4) તમારાં સંતાનોનાં લગ્ન સાંજના સમયે કરવાં. દસ્તૂરે આ બધી શરતો સ્વીકારી અને હિંદુ રાજાએ વસવાટની મંજૂરી આપી. ત્યારબાદ તેમણે વિધિસર આતશ બહેરામ બંધાવી પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું. સંજાણમાં સ્થિર થયેલા પારસીઓએ પાછળથી ગુજરાતમાં અન્ય સ્થળોએ વસવાટ કર્યો. ખંભાતમાં બારમી સદીમાં અગ્નિપૂજકો-જરથોસ્તીઓની વસ્તી હતી. તેરમી સદીમાં અંકલેશ્વર(જિ. ભરૂચ)માં પારસીઓ વસતા હતા. વળી ચૌદમી સદીની શરૂઆતમાં ભરૂચમાં પણ પારસીઓની વસ્તી હતી. 1309માં શેઠ પેસ્તનજીએ ત્યાં દોખમું (શબનો નિકાલ કરવાનું સ્થળ) બંધાવેલ હતું.‘કિસ્સએ-સંજાન’માં જણાવ્યા મુજબ પારસીઓ નવસારી, વાંકાનેર, ભરૂચ, વરિયાવ, અંકલેશ્વર અને ખંભાતમાં જઈને વસ્યા હતા.
95 વર્ષ પહેલાં બન્યો "સંજાણ સ્તંભ'
સંજાણમાં પારસીઓના આગમનની સ્મૃતિમાં આજથી 95 વર્ષ પહેલાં "સંજાણ સ્તંભ' બનાવવામાં આવ્યો હતો. હરિયાળી ધરાવતા મનોરમ્ય વાતાવરણની વચ્ચે બનેલો આ સ્તંભ પારસીઓની હાજરીનો અહેસાસ કરાવે છે. આ સ્તંભની ટોચ પર પારસીઓનો પવિત્ર અગ્નિ આતશ બહેરામ કંડારવામાં આવ્યો છે. 50 ફૂટ ઊંચાઇ ધરાવતો સંજાણનો આ સ્મૃતિ સ્તંભ ગ્રેનાઇટમાંથી બનાવવામાં આવ્યો છે. આ સ્તંભ ઉપર 23 જેટલાં ગુલાબનાં ફૂલોનું આકર્ષક નકશીકામ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે તકતી મૂકવામાં આવેલી છે. આ તકતીમાં પારસી ધર્મની રક્ષા માટે પારસીઓને આશ્રય આપનારા જાદી રાણાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.તા. 6 ઓગસ્ટ, 1917ના રોજ સંજાણ ખાતે આ સ્તંભનું ઉદ્ધાટન પારસી અગ્રણી સર જમશેદજી જીજીભોયના હસ્તે કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ આ તકતી પર જોવા મળે છે. સંજાણ ડેના રોજ સંજાણ ખાતે વહેલી સવારથી જ દેશભરમાંથી આવેલા પારસીઓની ચહેલપહેલ જોવા મળે છે.